ABP ન્યૂઝ ચેનલનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો

(એજન્સી) નવી દિલ્હી, તા.૩
છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર એબીપી ચેનલ ચર્ચામાં છે. આ મુદ્દે શુક્રવારે લોકસભામાં પણ ચર્ચા કરવામાં આવી. સદનમાં કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ ચેનલના મેનેજિંગ એડિટર અને એક પત્રકારના રાજીનામાને રાજનૈતિક દબાણોથી પ્રેરિત ગણાવતા આરોપ મૂકયો હતો કે રાજ્યસભાના એક વરિષ્ઠ સભ્યએ સંસદના સેન્ટ્રલ હોલમાં મીડિયાને પડકાર ફેંકયો હતો કે જો તમે અમારા વિચારો મુજબ નહીં કામ કરો તો તમારી ચેનલ બંધ કરી દેવાશે. નોંધનીય છે કે, ટૂંક સમય પહેલાં જ વડાપ્રધાનની ખેડૂતો સાથેની વાતચીતના કાર્યક્રમમાં જે મહિલાની આવક બે ગણી થવાનો દાવો કરાયો હતો તેની તપાસ કરતાં એબીપીના પત્રકારે આ મહિલા સાથે વાતચીત કરી હતી. મહિલાએ ખુલાસો કર્યો હતો કે વડાપ્રધાનને આવું કહેવા અધિકારીઓએ આદેશ આપ્યો હતો. આ ખુલાસા બાદ એબીપીના માસ્ટર સ્ટ્રોક પ્રોગ્રામના પ્રસારણમાં અડચણોની ફરિયાદ આવવા માંડી અને હવે બે દિવસ પહેલાં મેનેજિંગ એડિટર મિલિંદ ખાંડેકર અને માસ્ટર સ્ટ્રોક પ્રોગ્રામના પત્રકાર પ્રસૂન વાજપેયીએ રાજીનામું આપતા સોશિયલ મીડિયા પર સમગ્ર મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્‌વીટ કરી હતી કે મોદી સરકાર સ્વતંત્ર પત્રકારત્વને સમાપ્ત કરવા તત્પર છે. કોંગ્રેસ પ્રવકતા રણદીપસિંહ સુરજેવાલાએ આ સમગ્ર ઘટનાક્રમને ઓપરેશન કમળ કરાર આપ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks