(એજન્સી) નવી દિલ્હી, તા.ર
હુર્રિયત દ્વારા આતંકવાદી કમાન્ડર અબુ દુજાનાની મોતના વિરોધમાં કાશ્મીર બંધ પાળવામાં આવ્યું હતું. આ દરમ્યાન નાગરિકો અને સુરક્ષા દળની અથડામણમાં ૩૦ વર્ષીય અકીલ અહમદ ભટ ઘવાયો હતો જે પુલવામાનો નિવાસી છે. અકીલને સરકારી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમ્યાન એક દિવસ બાદ તેનું મૃત્યુ થયું હતું. અબુ દુજાના અને અન્ય એક આતંકવાદીની હત્યાનો વિરોધ કરી રહેલા ટોળા પર પોલીસે ગોળીબાર કર્યો હતો જેમાંથી એક ગોળી અકીલની છાતીમાં વાગી હતી.
લશ્કરે તૈબાના આતંકવાદીની હત્યાના વિરોધ બાદ થયેલ હિંસામાં અન્ય એક નાગરિકનું મોત થયું હતું. જ્યારે અન્ય કેટલાક ઘવાયા હતા.
ઘવાયેલા લોકોમાં એક નર્સ અને પેરામેડિકલ વિદ્યાર્થીનો પણ સમાવેશ થાય છે. જેઓ પુલવામા જિલ્લા હોસ્પિટલની બહાર થયેલ ગોળીબારમાં ઘવાયા હતા.
ખીણના મોટા ભાગના વિસ્તારોમાં આતંકવાદીઓની હત્યા બાદ કર્ફ્યુ જેવો માહોલ છે. અલગતાવાદી સંગઠન દ્વારા કરવામાં આવેલ બંધના એલાને પણ જનજીવનને અસર પહોંચાડી છે. સરકાર દ્વારા મોબાઈલ ઈન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીર સરકાર દ્વારા દુજાનાનો મૃતદેહ સ્વીકારવા પાકિસ્તાન હાઈકમિશનનો સંપર્ક કરવામાં આવશે જે હાલ પૂરતુ ‘અમાનત’ તરીકે ગનતામુલ્લા કબ્રસ્તાનમાં દફનાવવામાં આવી છે. જો પાકિસ્તાન મૃતદેહનો સ્વીકાર નહીં કરે તો તેને વ્યવસ્થિત રીતે દફનાવવામાં આવશે.
ભારત સરકાર દ્વારા આ પહેલાં પણ મૃતદેહ પરત કરવાની પહેલ કરાઈ છે. જેમાં ર૦૦૮ના હુમલામાં પકડાયેલ અજમલ કસાબના મતૃદેહનો પણ સમાવેશ થાય છે. પરંતુ પાકિસ્તાને હંમેશા મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. કારણ કે જો તે મૃતદેહ સ્વીકારે તો સાથે એ વાતનો પણ સ્વીકાર કરવો પડે કે પાકિસ્તાની આતંકવાદીઓ ભારતમાં અશાંતિ ફેલાવવામાં સંડોવાયેલા છે.