(સંવાદદાતા દ્વારા) ગોંડલ, તા.૬
ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે પર રીબડા ગામના પાટીયા પાસે રવિવારની મોડી રાત્રે ઉભેલા ટ્રક પાછળ મિની ટ્રાવેલ્સ બસ ઘૂસી જતા સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત નીપજ્યું હતું. જ્યારે ૧૪ વ્યક્તિઓને ઈજાઓ થતાં એમાંથી ચાર વ્યક્તિને સારવાર માટે ગોંડલ લવાયા હતા અને ૧૦ને રાજકોટ ખસેડાયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ રીબડા ગામના બસ સ્ટેન્ડ પાસે ઉભેલા ટ્રક નંબર ય્ત્ન ૧૮ છૐ ૧૯૩૭ ની પાછળ મોડી રાત્રે ખાનગી ટ્રાવેલ્સની બસ ય્ત્ન ૩ મ્ફ ૩૩૯૬ ધડાકાભેર ઘૂસી જતા સર્જાયેલા અકસ્માતમાં રાજકોટના હાથીખાના વિસ્તારમાં રહેતા મોફીઝ રહેમાન નામના મુસ્લિમ યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે મોયુજૂન અમનુજ ઈસ્માઈલ, મહમ્મદ હુસેન તેમજ શેખ સુયૂફુલ તેમજ એક અજાણ્યા યુવાનને સારવાર માટે ગોંડલ ખસેડાયા હતા. જ્યારે શાહિરૂભાઈ રાહેમાનભાઈ શેખ, લાલુ અનવર, મોઝુદીન અબ્દુલ, રમેશ પાલ, રોશનઅલિ કાસમ અલી, જ્યેન્દ્ર પ્રવિણભાઇ, મોસીન, બપીભાઈ તેમજ નાસીરભાઈને ઈજાઓ થતા રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગેની તપાસ પોલીસે હાથ ધરી છે.