ભાવનગર, તા.ર૧
ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં રસાલા કેમ્પમાં આવેલી નગરપ્રાથમિક શાળામાં આચાર્ય પર અન્ય શાળાના આચાર્ય સહિત પાંચ શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાવાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
શહેરના સિન્ધુનગર વિસ્તારના પ્લોટ નં. ૧૯૬૭માં રહતા અને વિઠ્ઠલવાડીની નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર-પ૮પ૮માં આચાર્ય તરીકે ફરજ બજાવતા સાગરભાઈ ઉમેશભાઈ જાની (ઉ.વ.૩૦)નાએ પ્રાથમિક શાળાના આચાર્ય અમરૂ જેબલીયા અને અન્ય ચાર શખ્સો વિરૂદ્ધ એવી ફરિયાદ નોંધાવી હતી કે અગાઉ શાસનાધિકારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં અરજી કરી હોય જે અમરૂ જેબલીયાને પસંદ ન હોય ગઈકાલે બપોરે શિશુવિહારમાં મળેલી શિક્ષકોની મીટિંગ દરમ્યાન ફોર્મમાં સહી કરવાની ના કહેતા અમરૂ જેબલીયા ઝઘડો કરી ચાલ્યો ગયો હતો. ત્યારબાદ પોતે રસાલા કેમ્પની શાળા નંબર ર૮માં હતા ત્યારે અમરૂ જેબલીયા અને અન્ય ચાર અજાણ્યા શખ્સોએ મારૂતિ સ્વીફ્ટ કારમાં આવી પ્રથમ પોતાને જબરજસ્તીથી કાર તરફ લઈ જવાની કોશિશ કરી લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો જે દરમ્યાન રસાલા કેમ્પમાં ફરજ બજાવતા શૈલેષભાઈ વચ્ચે પડતા શખ્સોએ તેમના પર પણ કુંડળીવાડી લાકડી વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. જ્યારે પોતાના પર લોખંડના પાઈપ ઉપરાંત કુંડળીવાળી લાકડી વડે ઢોર મારમારી અમરૂ જેબલીયાની સાથેના અજાણ્યા શખ્સોએ ઢીકા-પાટુનો માર માર્યો હતો.
સાગરભાઈ જાનીએ નોંધાવેલી ફરિયાદના આધારે એ-ડિવિઝન પોલીસે અમરૂ જેબલીયા સહિત પાંચ શખ્સો વિરૂદ્ધ જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ઘટનાના પગલે શિક્ષણ વર્તુળમાં ભારે ચકચાર મચી હતી.