(એજન્સી) નવી દિલ્હી, તા.ર૧
ભાજપાના અધ્યક્ષ અમિત શાહે વિશ્વાસપૂર્વક કહ્યું કે ભારતના લોકો ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ર૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ચૂંટી કાઢશે. કારણ કે એમને ખબર છે કે એમની સરકાર સમાજના પ્રત્યેક ક્ષેત્રના લોકો માટે કામ કરે છે.
ઝી મીડિયાના ‘ઈન્ડિયા કા ડીએનએ કોન્કલેવ ર૦૧૯’ના કાર્યક્રમમાં એમણે જણાવ્યું કે જ્યારે સમય આવશે ત્યારે લોકો મોદીનું સમર્થન કરશે. અમે અમારા સાથીઓ સાથે પણ સારી રીતે કાર્ય કર્યું છે એ સાથે સારૂ સુશાસન આપ્યું છે.
એમણે કહ્યું કે વિદેશોમાં મોદીના કારણે લોકોને વધુ માનસન્માન મળી રહ્યું છે.
જ્યારે વડાપ્રધાન મોદી વિદેશોમાં સન્માન મેળવે છે ત્યારે એ સન્માન ભારતના લોકોનું છે. ભારત જ્યારે અંતરિક્ષમાં ઉપગ્રહ છોડે છે અને પાકિસ્તાન ઉપર સર્જિકલ સ્ટ્રાઈક કરે છે ત્યારે દેશના લોકો ગૌરવ અનુભવે છે.
મોદી સરકારે લોકોમાં વિશ્વાસનું પુનઃ સ્થાપન કર્યુ છે. અને દુનિયામાં ભારતને ગૌરવપૂર્વક સ્થાન અપાવ્યું છે.
વિપક્ષો એનડીએ સરકાર સામે ભ્રષ્ટાચારનો એક પણ આક્ષેપ મૂકી શક્યા નથી. એમણે કહ્યું કે મોદી જેવી વ્યક્તિને ચૂંટણીઓનો સામનો કરવો હોય તો મારૂ કાર્ય સફળ થઈ જાય છે.
એમણે મોદી સરકારની યોજનાઓની પ્રશંસા કરતા કહ્યું કે અમારી સરકારે લોકો માટે કાર્ય કર્યું છે. અમોએ દેશના કરોડો લોકોના જીવનને સ્પર્શ કર્યો છે અને ઉપર ઉઠાવ્યું છે.
અચ્છે દિનના પ્રશ્ન બાબત એમણે કહ્યું જે લોકોને લાભ થયો છે એ લોકો વિશ્વાસ ધરાવે છે અચ્છે દિન આ ગયે હૈ.
વિપક્ષોના મહાગઠબંધન બાબત એમણે કહ્યું કે ર૦૧૪માં પણ વિપક્ષો ભાજપ સામે હતા. એમણે કહ્યું કે લગ્નની કાયદાકીય વય ર૧ વર્ષ છે. શું તમે ર૧ વર્ષની વય ધરાવતા લોકોને ભેગા કરીને લગ્ન કરાવી શકો.
એમણે કહ્યું કે વડાપ્રધાન મોદી ગરીબી અને ભ્રષ્ટાચાર દૂર કરવા પ્રયાસો કરી રહ્યા છે. જ્યારે વિપક્ષો ફક્ત મોદીને દૂર કરવા લડી રહ્યા છે. એમનું સૂત્ર છે મોદી હટાવો. જ્યારે અમે કહીએ છીએ ગરીબી હટાવો, એ કહે છે કે મોદી હટાવો જ્યારે અમે કહીએ છીએ કે ભ્રષ્ટાચાર હટાવો ત્યારે એ કહે છે મોદી હટાવો.