(એજન્સી) નવી દિલ્હી, તા.૫
મોદી સરકારની નોટબંધીની આકરી ટીકા કરતાં પૂર્વ નાણામંત્રી પી.ચિદંબરમે જણાવ્યું કે અચ્છે દિન ક્યાં છે ? સરકારને અર્થતંત્રની કોઈ ગતાગમ નથી. તેમણે કહ્યું કે સરકારને કંઈ પણ ખબર નથી. જીડીપી વિકાસ દરમાં ઘટાડો થઈ રહ્યો છે. જો આ સમસ્યાનો ઉકેલ નહીં લાવવામાં આવો અર્થતંત્રની હાલત આનાથી પણ વધારે ખરાબ થશે. તેમણે કહ્યું કે સરકારે અચ્છે દિનનું વચન આપ્યું હતું પરંતુ અચ્છે દિન ક્યાંય પણ દેખાતા નથી. મોદી સરકારની નોટબંધીને એક મોટી ઘટના તરીકે જોવામાં આવી હતી પરંતુ સરવાળે નકામી સાબિત થઈ હોવાનું સ્પષ્ટ ફલિત થયું છે. નોટબંધીને કારણે કેટલીક હકારાત્મક તો કેટલો નકારાત્મક અસર પડી છે પરંતુ સરવાળે તેનાથી કંઈ ખાસ પરિણામ મળ્યું નથી.આ પહેલા રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને પણ કહ્યું હતું કે નોટબંધીને કારણે ભારતીય અર્થતંત્રને ૨.૫ લાખ કરોડનું નુકસાન થયું હતું. તેમણે કહ્યું જીડીપીને પણ નુકસાન થયું છે. તેમણે કહ્યું કે નોટબંધી કેટલી મોંઘી પડી શકે છે તે અંગે સરકારને જાણ કરવામાં આવી હતી. રાજને કહ્યું હતું કે, તેઓએ કાળા નાણાંને સિસ્ટમમાં લાવવાના હેતુ પૂર્ણ કરવાના બીજા તરીકા પણ સૂચવ્યા હતા. રાજને એમ પણ કહ્યું છે કે, આરબીઆઈનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેમની અવધિ દરમિયાન ક્યારે પણ નોટબંધીનો નિર્ણય લેવા કહેવામાં આવ્યું ન હતું. રાજનની અવધિ પાંચમી સપ્ટેમ્બર ૨૦૧૬ના દિવસે પૂરી થઇ હતી જ્યારે નોટબંધીની જાહેરાત ૮મી નવેમ્બર ૨૦૧૬ના દિવસે કરવામાં આવી હતી. ચિદંબરમે કહ્યું કે હું ઘણા વખતથી આ અંગે ધ્યાન દોરી રહ્યો છું કે જેડીપી વિકાસ દરમાં ઘટાડો થઈ રહ્યો છે. મારા મતે સરકારને પ્રતિઘાતક પરિબળોની કોઈ ભાન નથી કે શા માટે જીડીપીનો વિકાસ દર નીચો જઈ રહ્યો છે. સરકારે સુધારાત્મક પગલાં ભરવા માટે દિશાવિહોણી અને અસક્ષમ બની છે. એક મોટું વિધ્વંકારી પગલું નોટબંધી હતી જેને ૨૦૧૬-૧૭ ના લાગુ પાડવામાં આવી હતી. તેમ છતાં સરકાર આ વાત સ્વીકારવા માટે તૈયાર નથી. ઉલ્લેખનીય છે કે નોટબંધી પર આરબીઆઈના આંકડા જારી કરવામાં આવ્યા બાદ કોંગ્રેસે મોદી સરકાર પર હુમલો કરતાં કહ્યું હતું કે મોદી સરકારનો કાળા નાણાંને ખતમ કરવાનો દાવો પોકાળ સાબિત થયો.