(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૭
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત દેશના ઘણા શહેરોમાં ડીઝલના ભાવો આજે સર્વોચ્ચ સપાટી પર પહોંચી ગયા હતા. સાથે જ પેટ્રોલના ભાવો પણ આ વર્ષે ૨૯ મેના રોજ નોંધાયેલા ઐતિહાસિક સર્વોચ્ચ સ્તર નજીક પહોંચી ગયા છે. દેશની સૌથી મોટી તેલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન પાસેથી મળેલી જાણકારી અનુસાર રવિવારે દિલ્હીની સાથે કોલકાતા, ચેન્નઇમાં પણ ડીઝલની કિંમતો રેકોર્ડ સ્તરે પહોંચી ગઇ છે. ૨૯મી મેના રોજ ડીઝલના ભાવ આ પહેલા ૬૯.૩૧ રૂપિયાના સર્વોચ્ચ સ્તરે હતા. કોલકાતામાં તેની કિંમત ૧૪ પૈસા વધીને ૭૨.૧૬ રૂપિયા પ્રતિ લિટર પહોંચી ગઇ છે. ચેન્નાઇમાં ડીઝલ ૧૫ પૈસા મોંઘું થયું છે અને તેની કિંમત ૭૩.૨૩ રૂપિયા પ્રતિ લિટરના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઇ છે.
દેશની આર્થિક રાજધાની મુંબઇમાં પણ ડીઝલની કિંમત વધીને ૭૩.૫૯ રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગઇ છે. આ મહાનગરોમાં તેની વધુમાં વધુ કિંમત ક્રમશઃ ૭૮.૪૩ રૂા., ૮૬.૨૪ રૂા. અને ૮૧.૪૩ રૂપિયા પ્રતિ લિટર રહી છે જે ૨૯મી મેએ હતી. કોલકાતામાં પેટ્રોલના ભાવ રવિવારે ૧૦ પૈસા મોંઘા થઇને ૮૦.૭૧ રૂપિયા પ્રતિ લિટર પહોંચી ગયો હતો. અહીં વધુમાં વધુ કિંમત આ વર્ષે ૨૯મી મેએ ૮૧.૦૬ રૂપિયા હતી. દિલ્હીમાં આજે પેટ્રોલના ભાવ ૭૭.૯૧ રૂપિયા પ્રતિ લિટર અને મુંબઇમાં તેનો ભાવ ૮૫.૩૩ રૂપિયા પ્રતિ લિટર પહોંચી ગયો હતો. ઇંધણના ભાવો ૧૬મી ઓગસ્ટથી અમેરિકન ડોલર સામે રૂપિયાની ઘટતી કિંમતોને લીધે ઊંચા ગયા છે. તે સમયે પેટ્રોલના ભાવો ૭૦.૩૨ રૂપિયાની સપાટીએ હતા. છેલ્લા ૧૨ દિવસમાં દિલ્હીમાં પેટ્રોલના ભાવોમાં ૦.૭૭ પૈસાનો વધારો થયો છે જ્યારે ડીઝલના ભાવમાં ૦.૭૪ પૈસા વધારો થયો છે. જૂનના મધ્યમાં ઓઇલ કંપનીઓએ મહિનાની પહેલી તથા ૧૬મી તારીખે ઇંધણોના ભાવોની સમીક્ષાની ૧૫ વર્ષની પરંપરા તોડીને દરરોજ ભાવોની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો હતો. ઇંધણોના ભાવો ઊંચા જવાથી એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવા માટે ભારે માગ કરવામાં આવી હતી પણ સરકારે આમાં કોઇ ફેરફાર કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. હાલમાં કેન્દ્ર સરકાર પેટ્રોલ પર ૧૯.૪૮ રૂપિયા પ્રતિ લિટરે એક્સાઇઝ ડ્યૂટી વસૂલ કરે છે જ્યારે ડીઝલ પર ૧૫.૩૩ રૂપિયા વસૂલ કરે છે. આ ઉપરાંત રાજ્યો તેના પર વધારાનો વેટ લગાવે છે. બીજી તરફ અંદામાન નિકોબારમાં પેટ્રોલ અને ડીઝલ પર ફક્ત છ ટકા ડ્યૂટી લાગે છે. દેશમાં મુંબઇમાં પેટ્રોલ પર સૌથી વધુ ૩૯.૧૨ ટકા વેટ વસૂલાય છે જ્યારે તેલંગાણામાં ડીઝલ પર સૌથી વધુ ૨૬ ટકા વેટ વસૂલાય છે. દિલ્હીમાં પેટ્રોલ પર ૨૭ ટકા અને ડીઝલ પર ૧૭.૨૪ ટકા વેટ વસૂલ કરવામાં આવે છે. કેન્દ્ર સરકારે નવેમ્બર ૨૦૧૪ અને જાન્યુઆરી ૨૦૧૬ વચ્ચે નવ તબક્કામાં પેટ્રોલની ડ્યૂટી પર રૂપિયા ૧૧.૭૭ અને ડીઝલની ડ્યૂટી પર રૂપિયા ૧૩.૪૭નો વધારો કર્યો હતો. જોકે, આ દરમિયાન તેણે ફક્ત એક વખત ગયા વર્ષે ઓક્ટોબરમાં બે રૂપિયાનો ઘટાડો કર્યો હતો. આના કારણે ઇંધણોની પેદાશો પર છેલ્લા ચાર વર્ષમાં સરકારની આવક ૨૦૧૪-૧૫માં ૯૯,૧૮૪ કરોડ રૂપિયાથી બમણાથી પણ વધુ થઇને ૨૦૧૭-૧૮માં ૨,૨૯,૦૧૯ કરોડ રૂપિયા થઇ જવા પામી છે. રાજ્યોમાં પણ પેટ્રો પેદાશો પર ૨૦૧૪-૧૫માં ૧,૩૭,૧૫૭ કરોડ રૂપિયાની આવક હતી જે ૨૦૧૭-૧૮માં વધીને ૧,૫૪,૦૯૧ કરોડ રૂપિયા થઇ જવા પામી છે.
મેટ્રો શહેરોમાં ડીઝલ
શહેર રવિવારનો ભાવ સોમવારનો ભાવ વધારો
દિલ્હી ૬૯.૩૨ ૬૯.૪૬ ૧૪ પૈસા
કોલકાતા ૭૨.૧૬ ૭૨.૩૧ ૧૫ પૈસા
મુંબઈ ૭૩.૫૯ ૭૩.૭૪ ૧૫ પૈસા
ચેન્નાઈ ૭૩.૨૩ ૭૩.૩૮ ૧૫ પૈસા
મેટ્રો શહેરોમાં પેટ્રોલ
શહેર રવિવારનો ભાવ સોમવારનો ભાવ વધારો
દિલ્હી ૭૭.૭૮ ૭૭.૯૧ ૧૩ પૈસા
કોલકાતા ૮૦.૭૧ ૮૦.૮૪ ૧૩ પૈસા
મુંબઈ ૮૫.૨૦ ૮૫.૩૩ ૧૩ પૈસા
ચેન્નાઈ ૮૦.૮૦ ૮૦.૯૪ ૧૪ પૈસા
આ શું… પાકિસ્તાનના ‘અચ્છે દિન’ !!!
ડીઝલ ૧૭ રૂપિયા જેટલું સસ્તું થશે
(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૭
પાકિસ્તાનમાં સામાન્ય માનવીના અચ્છે દિન આવી ગયા છે. ઇમરાનખાન સરકારે પ્રજાને આકાશ આંબતી મોંઘવારીથી છૂટકારો અપાવવાના ઉકેલોમાં લાગી ગઇ છે. આ પ્રક્રીયામાં પેટ્રોલિયમ મંત્રી ગુલામ સરવરે સંકેત આપ્યો છે કે, સરકાર ડીઝલની કિંમત આશરે ૧૭ રૂપિયા પ્રતિ લિટર સુધી ઘટાડશે. આના કારણે ઘણી આવશ્યક વસ્તુઓના ભાવ નીચા આવશે. અહેવાલો અનુસાર વડાપ્રધાન ઇમરાનખાનની સરકારની યોજના ડીઝલની કિંમતો ઘટાડી પેટ્રોલને સમાન કરવાની છે. પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું કે, સંઘારમાં કાચા તેલ અને પ્રાકૃતિક ગેસનો ભંડાર મળી આવ્યો છે. પાકિસ્તાનનું નવું નેતૃત્વ તુર્કમેનિસ્તાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ભારત(તાપી) પાઇપલાઇનના કામમાં ઝડપ લાવશે. ઓગસ્ટમાં પાકિસ્તાનમાં ડીઝલની કિંમત ૧૧૨.૯૪ રૂપિયા પ્રતિ લિટર ચાલી રહી હતી જ્યારે પેટ્રોલની કિંમત ૯૫.૨૪ રૂપિયા પ્રતિ લિટર, કેરોસીન ૮૩.૯૬ રૂપિયા અને હલ્કું ડીઝલ ૭૫.૭ રૂપિયા પ્રતિ લિટર ચાલી રહ્યું હતું.