અદાણી વિલ્મરને બિનઆરોગ્યપ્રદ તેલ વેચવા બદલ બે-બે લાખનો દંડ

અમદાવાદ,તા. ૫
સબસ્ટાન્ડર્ડ રિફાન્ડ પામ ઓઇલ(જયુબીલી) વેચાણ કરવાના ગુનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોર્ટ નંબર-૮ દ્વારા આરોપી વેપારી પ્રકાશ હીરાલાલ કેવલાણીને રૂ. દસ હજારનો દંડ ફટકાર્યો છે. સાથે સાથે આ રિફાઇન્ડ પામ ઓઇલના વેચાણ માટે જવાબદાર એવી અદાણી વિલ્મર લિ., નવરંગપુરા, અમદાવાદ અને અદાણી વિલ્મર લિ.મુંદ્રા, કચ્છને રૂ.બે-બે લાખનો આકરો દંડ ફટકાર્યો છે. કોર્ટે આ બંને કંપનીઓના આરોપી નોમીની અનુક્રમે કઝાકે થોમસ લેઝર અને વિચિત્રાકુમાર જૈનને છ-છ મહિનાની કેદ અને રૂ.૫૦-૫૦ હજારનો દંડ ફટકાર્યો છે. આ કેસની સુનાવણી દરમ્યાન કંપનીના ઉપરોકત બંને આરોપી નોમીની હાજર નહી રહેવાના કારણે કોર્ટે ગંભીર નોંધ લઇ બંને આરોપીઓ વિરૂધ્ધ પકડ વોરંટ જારી કરી અમદાવાદ શહેર પોલીસ કમિશરને તેની બજવણી કરી તેઓને જેલહવાલે કરવા પણ હુકમ કર્યો હતો. વધુમાં, જો કંપની દ્વારા દંડની રકમની ભરપાઇ ના કરાય તો કંપનીની મિલ્કત વેચી રેવન્યુ રાહે તેની વસૂલાત કરવા પણ કોર્ટે ઠરાવ્યું છે. આ કેસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એડવોકેટ મનોજ ખંધારે કોર્ટનું ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે, અમ્યુકોના આરોગ્ય વિભાગના અધિકારીઓની ટીમ દ્વારા ગત તા.૯-૮-૦૫ના રોજ શહેરના નોબલનગર વિસ્તારમાં આરોપી વેપારી પ્રકાશ હીરાલાલ કેવલાણીની ગાયત્રી ટ્રેડર્સ નામની દુકાનમાંથી રિફાઇન્ડ પામ ઓઇલ(જયુબીલી)ના પેક પાઉચના સેમ્પલ લેવાયા હતા. લેબમાં પરીક્ષણ દરમ્યાન આ ઓઇલ સબસ્ટાન્ડર્ડ અને બિનઆરોગ્યપ્રદ માલૂમ પડયું હતુ. આ પ્રકારના સબસ્ટાન્ડર્ડ ઓઇલના વેચાણ માટે આરોપી કંપની અદાણી વિલ્મર લિ. અને તેના જવાબદારો પણ એટલા જ કસૂરવાર ઠરે છે. ખુદ સુપ્રીમકોર્ટે તેના મહત્વના ચુકાદાઓમાં અને બંધારણમાં નાગરિકોના આરોગ્યની સુરક્ષા અને સુરક્ષિત જીવન જીવવાના અધિકારને બક્ષવામાં આવ્યો છે, ત્યારે આરોપીઓના ગુનાહિત કૃત્યથી તેનો સરેઆમ ભંગ થાય છે. આ સંજોગોમાં આરોપીઓને કાયદા મુજબ સખત સજા કરવી ન્યાયોચિત લેખાશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks