(સંવાદદાતા દ્વારા) ડભોઈ, તા.૧પ
ડભોઇ શિનોર ચાર રસ્તા નજીક આવેલી પાર્વતીનગર સોસાયટી ખાતે રહેતા હસમુખભાઇ વિઠ્ઠલભાઇ પ્રજાપતી ઉ.વ.૫૨ જે મુળ રહે. કાકોસી તા.સિદ્ધધપુર જિ. પાટણનાઓ નાસ્તો કરી પોતાની મોટરસાઇકલ જી.જે.૦૨ બી.જે.૬૮૫૧ને ગફલતભરી રીતે હંકારી ઘરે જઇ રહ્યા હતા તે દરમ્યાન નસવાડી ટાઇલ્સ ભરી ખાલી કરવા જતો આઇશર ટેમ્પો નં. જી.જે.૦૭ યુ.યુ.૮૪૪૧ ના ડ્રાઇવર સાઇડના પાછડના વ્હીલમાં બાઇક અથડાઇ હતી આ અકસ્માતમાં હસમુખભાઇને માથાના ભાગે ભારે ઇજાઓ થતા તાત્કાલિક આસપાસથી પસાર થતા લોકોએ રેફરલ હોસ્પિટલ લઇ જવા ફરજ પડી હતી પરંતુ હસમુખભાઇ દવાખાને પહોંચે તે પહેલા જ તેમનું મોત નિપજ્યુ હતું. ડભોઇ પોલીસે આઇશર ચાલકની ફરિયાદને આધારે અકસ્માતનો ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે તો શિનોર ચાર રસ્તા પાસે અવાર નવાર બનતા અકસ્માતને પગલે રહિશોમાં ભય સેવાઇ રહ્યો હોઇ શિનોર ચાર રસ્તા પાસે પુર ઝડપે ચાલતા વાહનોને ધીમા કરવા ગતી અવરોધક ઊભા કરવા ભારે માંગ ઉઠવા પામી છે.