અધિકારીઓને એક્સ્ટેન્શન આપી મળતિયા કોન્ટ્રાક્ટરોના ટેન્ડરો પાસ કરાવાય છે

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૩૦
અમદાવાદ શહેરમાં જ્યાં એકતરફ સ્વાઈનફલૂ સહીતના અન્ય રોગના કેસ સતત વધી રહ્યા છે મોતનો આંક પણ વધી રહ્યો છે આ પરિસ્થિતિમાં મ્યુનિ.તંત્રના મહત્વપૂર્ણ એવા હેલ્થ વિભાગની અનેક જગ્યાઓ ખાલી હોવા ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ પણ ચાર્જમા છે સાથે જ અધિકારીઓની બદલી કરવામા આવે તો તે વિદેશ ભાગી જતા હોવાનો વિપક્ષે ગંભીર આક્ષેપ કર્યો છે.આ અંગે વિપક્ષનેતા દિનેશ શર્માએ મંગળવારના રોજ મળેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય બેઠકમા આકરા પ્રહાર કર્યા હતા.તેમણે કહ્યુ કે,મ્યુનિ.નુ હેલ્થખાતુ જ બીમાર છે ખાતાના વડાની મહત્વની જગ્યા બે વર્ષ ઉપરાંતના સમયથી ભરવામા આવી નથી બે વર્ષથી ડો.ભાવિન સોલંકીને ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર બનાવવામા આવ્યા છે.ઉપરાંત બે ડેપ્યુટી હેલ્થ ઓફિસરની જગ્યા ખાલી છે.કુટુંબ કલ્યાણવિભાગની એક, આસીસ્ટન્ટ હેલ્થ ઓફિસરની ત્રણ, આસીસ્ટન્ટ એન્ટોમોલોજીસ્ટની એક,જુનિયર આસીસ્ટન્ટ એન્ટોમોલોજીસ્ટની એક,પબ્લીક હેલ્થઓફિસરની ૨૧ અને સેનેટરી સબ ઈન્સપેકટરની ૪૯ જેટલી જગ્યાઓ લાંબા સમયથી ખાલી પડી છે આ જગ્યાઓ ભરવા કોઈ જ કાર્યવાહી કરવામા આવતી નથી.ઉપરાંત એક ડેપ્યુટી હેલ્થઓફિસરની બદલી કરવામા આવતા તેઓ ઓસ્ટ્રેલિયા ચાલ્યા ગયા છે અને બીજા જવાની તૈયારીમા છે.સ્થાપિત હીત તરીકે ગોઠવાયેલા અધિકારીઓની બદલી કરવામા આવે તો તે વિદેશ ભાગી જાય છે. એક જ અધિકારીને બે વાર એકસટેન્શન આપીને મળતીયા કોન્ટ્રાકટરોના ટેન્ડરો પાસ કરાવવામા આવી રહ્યા છે. મેલેરીયા સામે લડવા માટે રૂપિયા ચાર કરોડના ખર્ચે વગર ટેન્ડરે ફોગીંગ મશીનો ખરીદવામા આવી રહ્યા છે.
ગંભીર ચર્ચા સમયે પણ કમિશનર ગેરહાજર રહ્યા

મંગળવારના રોજ એક માસ ઉપરાંતના સમય બાદ મળેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની માસિક બેઠક સમયે શહેરમા તુટેલા રસ્તાઓ અને વકરેલા રોગચાળા મામલે વિપક્ષ અને શાસકપક્ષના કોર્પોરેટરો તરફથી ગંભીર રજુઆત ગૃહમા કરવામા આવી રહી હતી આ સમયે મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર તેમની કચેરીમા હાજર હોવાછતાં બેઠકમા હાજર ન રહેતા વિપક્ષના સભ્યોએ ઉગ્ર રજુઆત કરી હતી.દરમિયાન કમિશનર રાત્રે ૭.૩૦ કલાકે બોર્ડમા પહોંચ્યા જ્યાં તેમણે અમદાવાદમાં આગામી ત્રણ કલાકમા ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હોવાનુ કહી ચાલતી પકડતા અકળાયેલા વિપક્ષ કોંગ્રેસના આઠથી વધુ કોર્પોરેટરાએે આ વર્તણૂંક સામે મ્યુનિસિપલ કમિશનરને મળી વિરોધ વ્યકત કર્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks