ગાંધીનગર, તા.૧૭
સરદાર સરોવર પ્રોજેકટનું રાષ્ટ્રાર્પણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, દેશની આઝાદીના ઈતિહાસમાં આદિવાસીઓનું પણ મહત્વનું પ્રદાન રહ્યું છે. દેશની ભાવિ પેઢી આદિવાસીઓના વારસાને જાણી તેમાંથી પ્રેરણા લે તે માટે દેશમાં આદિવાસી સ્વાતંત્ર્યવીરોના ગૌરવશાળી ઈતિહાસના સંગ્રહાલયોનું નિર્માણ કરવામાં આવશે. વડાપ્રધાને સરદાર સરોવર ડેમ ખાતે સાધુબેટ નજીક આકાર પામનાર ગુજરાતની ધરોહર સમાન આદિવાસીઓના ગૌરવવંતા ઈતિહાસનું રાષ્ટ્રીય કક્ષાના આદિવાસી સંગ્રહાલયનો ડભોઈ ખાતેથી ડિજીટલ તક્તિ દ્વારા શિલાન્યાસ કર્યો હતો. આ રાષ્ટ્રીય મ્યુઝીયમમાં દેશના આદિવાસી વીરોના સ્વાતંત્રતા સંગ્રામમાં યોગદાન અને બલિદાન રજૂ કરતી વર્ચ્યુઅલ ટેકનોલોજીથી વિભિન્ન પ્રદર્શનો રજૂ કરવામાં આવશે. દેશના આદિવાસી સ્વાતંત્ર્યવીરોના ગૌરવશાળી ઈતિહાસને કંડારવામાં ગુજરાત કેન્દ્રબિંદુ બની રહેશે.