નવી દિલ્હી, તા.૭
મૂળે પાકિસ્તાની પણ કેટલાક વર્ષો પહેલાં ભારતની નાગરિકતા લઈને ભારતમાં જ સ્થાયી થયેલા જાણીતા ગાયક અદનાન સામીના સ્ટાફ સાથે કુવૈત એરપોર્ટ પર ઈમિગ્રેશન અધિકારીઓએ બદસલૂકી કરી હતી.
ઈમિગ્રેશન અધિકારીઓએ સામીના સ્ટાફને ઈન્ડિયન ડોગ્સ કહીને સંબોધ્યા હોવાનો સ્ફોટક આક્ષેપ અદનાન સામીએ એક ટ્વીટ કરીને કર્યો છે. સામી અને તેમનો સ્ટાફ ૪ મેના રોજ કુવૈતમાં ભારતીય સમુદાય માટે યોજાનારી કોન્સર્ટમાં ભાગ લેવા માટે ગયો હતો. અદનાને ટ્વીટર પર બળાપો કાઢતા કહ્યું હતું કે કુવૈતી એરપોર્ટના સ્ટાફે મારા સ્ટાફને ઈન્ડિયન ડોગ્સ કહ્યા છે, આની ફરિયાદ પણ મેં કરી છે પણ ઈન્ડિયન એમ્બેસીએ કશું કર્યુ નથી. કુવૈતના અધિકારીઓની આ રીતે વર્તાવ કરવાની હિંમત કેવી રીતે થઈ. જો કે આ ટ્વીટ બાદ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે તરત જ વળતો જવાબ આપીને અદનાન સામીને ફોન પર વાત કરવા માટે કહ્યું હતું. એ પછી અદનાને તેમનો આભાર માનતું ટ્વીટ કરીને કહ્યું હતું કે સુષ્મા સ્વરાજ બહુ જિંદાદીલ મહિલા છે. મને ગર્વ છે કે તે આપણા વિદેશમંત્રી છે. જો કે અદનાન સામીએ કરેલા આક્ષેપ બાદ બે દેશો વચ્ચે રાજદ્વારી વિવાદ પણ સર્જાઈ શકે છે.