મુંબઈ,તા.૪
ઇંગ્લેન્ડનાં પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ઓપનિંગ બેટ્સમેન એલિસ્ટેયર કુકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. ભારત સામે રમાનારી અંતિમ ટેસ્ટ મેચ બાદ તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહશે.
કુકે અત્યાર સુધી ૧૬૦ ટેસ્ટ મેચમાં કુલ ૧૨૨૫૪ રન બનાવ્યા છે. ટેસ્ટમાં કુકનાં નામે કુલ ૩૨ સદી છે. કુકે સંન્યાસ લેતા મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનાં ૧૫૯૨૧ ટેસ્ટ રનનો રેકોર્ડ બચી ગયો છે. ૩૨ વર્ષનો કુક સચિન તેંડુલકરનાં રેકોર્ડને તોડવાથી ફક્ત ૩૬૬૭ રન પાછળ હતો અને તે આ રેકોર્ડને તોડવા માટેનો પ્રબળ દાવેદાર હતો.
કુકે કહ્યું કે, “છેલ્લા ઘણા મહિના વિચાર્યા પછી ભારત સામેની ટેસ્ટ સીરીઝ બાદ સંન્યાસ લેવાનો વિચાર કર્યો છે. મારા સાથી ખેલાડીઓ સાથે ભવિષ્યમાં ડ્રેસિંગ રૂમ શેર નહી કરી શકું તે વિચારે આ નિર્ણય લેવો અઘરો હતો, પરંતુ આ યોગ્ય સમય છે.”
કુકે ૨૦૦૬માં ૨૧ વર્ષની ઉંમરે નાગપુર ટેસ્ટમાં ભારત સામે પોતાના ટેસ્ટ કેરિયરની શરૂઆત કરી હતી. આ મેચમાં તેણે શતક ફટકાર્યું હતુ અને હવે તે ભારત સામે જ છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમીને ક્રિકેટને અલવિદા કહેશે.