(સંવાદદાતા દ્વારા) વાગરા,તા.રપ
પરખ ફાઉન્ડેશન લુણાવાડા જી. મહીસાગર ખાતે યોજાયેલ કવિ સંમેલનમાં ભરૂચ જિલ્લાના કવિ કે.કે. રોહિત (અફસોસ ઈખરવી) અને કવિ ભગુભાઈ ભીમડા (હલદર)નું સાહિત્યના વિવિધ ક્ષેત્રે કરેલા પ્રદાન બદલ રાજયસભાના સાંસદ શંભુનાથ મહારાજ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ અને સંસદીય સચિવ જેઠાભાઈ સોલંકીના હસ્તે શાલ ઓઢાડીને સન્માનપત્ર આપ્યું હતું. કવિ અફસોસ ઈખરવીના ડાળેથી ખર્યો ટહૂકો અને છીપલે સંતાડયંુ મોતી જેવા કાવ્ય સંગ્રહ તેમજ મુઠ્ઠી હૈયામાં મહાસાગર (લલિત નિબંધ)સમભાવ તેમજ લવ એન્ડ ઈકવીલીટી (લલિત નિબંધ) તેમજ સ્મૃતિ શીખર વ્હાલું વતન ઈખર (ઈતિહાસ)નું સાહિત્ય સર્જન કર્યું છે. મુઠ્ઠી હૈયામાં મહાસાગર અને સ્મૃતિનું શીખર વ્હાલુ વતન ઈખરને ગુજરાત રાજય ગ્રંથાલય નિયામક ગાંધીનગર અને રાજારામ મોહનરાય લાયબ્રેરી કાઉન્ડેશન કલકત્તાએ પણ પસંદગી કરી છે જેથી તેમની આ સેવાને બિરદાવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે ભગુભાઈ ભીમડાના શબ્દસંગાથ (કાવ્ય સંગ્રહ) પરોઢના પંખી (કાવ્ય સંગ્રહ) માળાના મણકા-૧૦૮ જેવા લેખસંગ્રહ લખી સાહિત્યનું સર્જન કર્યું છે. ગુજરાત સરકાર ગ્રંથાલય નિયામક ગાંધીનગર અને રાજા રામ મોહનરાય ફાઉન્ડેશન કલકત્તાએ તેમના પુસ્તકો પસંદ કર્યા છે. ભરૂચના આ બે કવિઓનું સન્માન થતા આનંદની લાગણી વ્યાપી છે.