વાયબ્રન્ટ સમિટના આયોજન અંગે વડાપ્રધાન મોદીને અપાયું બ્રીફિંગ

દિલ્હીમાં મુખ્યમંત્રી, ના.મુખ્યમંત્રી, મુખ્ય સચિવ વગેરેની મોદી સાથે બેઠક

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૪

ગુજરાતમાં આગામી વર્ષે યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત સમિટને શાનદાર અને સફળ બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ બની તૈયારીઓ કરવામાં લાગી ગયેલ છે. વાયબ્રન્ટ સમિટના પ્રણેતા એવા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ સમિટ અંગેનું વિધિવત આમંત્રણ આપવા તેમજ તે અંગેની તૈયારીઓ સહિતની વિસ્તૃત માહિતી આપવા દિલ્હી ખાતે પહોંચેલ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વગેરેએ વડાપ્રધાન સાથે આજે બેઠક કરી હતી. વાયબ્રન્ટ ગુજરાત સમિટનું ગુજરાત સરકાર માટે ખૂબ જ મહત્ત્વ છે. દર બે વર્ષે યોજાતી આ સમિટ માટે વિદેશો સહિત દેશભરમાં પ્રેઝન્ટેશન રોડ-શો વગેરેના આયોજનો, મિટીંગો વગેરે કરવામાં આવતા હોય છે અને તે અંગે મહિનાઓથી તૈયારીઓ કરાતી હોય છે તે હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે વાયબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ કરનાર તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ સમિટની તૈયારીઓ આયોજન વગેરેથી માહિતગાર કરવા અત્યંત આવશ્યક હોઈ તે સંદર્ભે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મુખ્ય સચિવ જે.એન.સિંઘ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ દિલ્હી ખાતે આજે પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ આજે વાયબ્રન્ટ ગુજરાત સમિટ અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કરી તૈયારી વગેરે અંગેની વિસ્તૃત વિગતો રજૂ કરવામાં આવી હતી. આ સાથે સમિટમાં ઉપસ્થિત રહેવા તેમને વિધિવત રીતે આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ સમિટના આયોજન અંગેની વિગતો જાણવામાં રસ દાખવ્યો હતો અને માર્ગદર્શન પણ આપ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks