આગામી ર૪ કલાકમાં રાજ્યમાં કેટલાંક સ્થળોએ ભારે વરસાદની આગાહી : તંત્ર એલર્ટ

અમદાવાદ, તા.૩૧
હવામાન ખાતાની ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યના ૩ર જિલ્લાના ર૦૬થી તાલુકાઓમાં મેઘરાજાએ રથી ૮ ઈંચ સુધી હેત વરસાવ્યું છે તો કયાંક તોફાની બેટીંગ કરતાં જળબંબાકારની સ્થિતિ સર્જી છે. જ્યારે કેટલીક જગ્યાએ માત્ર હળવા ઝાંપટા નોંધાયા હતા. છેલ્લા કલાકમાં કોડીનાર – કલ્યાણપુરમાં પ ઈંચ જ્યારે ખંભાળિયામાં ૬ ઈંચ, જામનગરના બાલપુરમાં ૪.પ ઈંચ જ્યારે કચ્છના અબડાસામાં ૪.પ ઈંચ અને અંજારમાં ૪ ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે આગામી ર૪ કલાકમાં ભારે વરસાદની આગાહીને પગલે એલર્ટ બાદ કોસ્ટ ગાર્ડના અધિકારીઓએ કાંઠાના વિસ્તારમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. જ્યારે જાફરાબાદના દરિયા કિનારે ૭૦૦થી વધુ બોટ પરત ફરી છે તો ૧ બોટ અને ૬ ખલાસીઓનો સંપર્ક થઈ શક્યો નથી. જ્યારે પોરબંદર અને અમરેલીના દરિયા કિનારે ૩ નંબરનું સિગ્નલ લગાવાયું છે.
રાજ્યમાં ભાદરવો ભરપુર બન્યો છે ત્યારે રાજ્યના સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આગામી ર૪ કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે તંત્રને એલર્ટ કરાયું છે.
રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ ૩૧મી ઓગસ્ટના સવારે ૭.૦૦ કલાકે પૂરા થતાં ચોવીસ કલાક દરમ્યાન ઉપલેટા તાલુકામાં ૯૧ મી.મી., અબડાસામાં ૮૯ મી.મી., ભાણાવડમાં ૮૯ મી.મી, ગીરગઢડામાં ૮પ મી.મી., કુતિયાણા ૮૪ મી.મી., ધોરાજીમાં ૮૦ મી.મી. મેંદરડામાં ૮૦ મી.મી. મળી કુલ સાત તાલુકાઓમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
આ ઉપરાંત રાજ્યના સુત્રાપાડા તાલુકામાં ૭૩ મી.મી., મુંદ્રામાં ૭૦ મી.મી., તલાલામાં ૬૩ મી.મી., કપરાડામાં ૬૩ મી.મી., દ્વારકામાં પ૮ મી.મી., રાણાવાવમાં પ૮, મી.મી., જામજોધપુરમાં પ૪ મી.મી., જામકંડોરણામાં પર મી.મી., વીંછીયામાં પ૧ મી.મી., ટંકારામાં પ૧ મી.મી., માળિયામાં પ૧ મી.મી., વેરાવળમાં પ૧ મી.મી., પારડીમાં પ૧ મી.મી., અને માણાવદરમાં પ૦ મી.મી., મળી કુલ ૧૪ તાલુકાઓમાં બે ઈંચથી વધુ અને અન્ય ર૪ તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે ભારે વરસાદની આગાહીને પગલે તંત્રએ નીચાણવાળા વિસ્તારોમાં રહેવા લોકોને સલામત જગ્યા પર રહેવાની અને કામ સિવાય ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે. આમ ભાદરવો ભરપુર બનતા ગુજરાતમાં છેલ્લા પાંચેક દિવસથી ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks