અમદાવાદ, તા.ર૪
અમદાવાદ શહેરમાં ગત તા.૧૯મી ડિસેમ્બરના રોજ બંધના એલાન દરમિયાન જે હિંસા ભડકી ઉઠી તે દુઃખદ છે અને વખોડવાલાયક છે પરંતુ આ બનાવને લઈ કોઈ નિર્દોષ વ્યક્તિઓની હેરાનગતિ કરવામાં ન આવે કે ચોક્કસ સમાજના આગેવાનો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તે અંગે તટસ્થ રીતે તપાસ કરવામાં આવે તેવી જમાલપુર વોર્ડના મ્યુનિ. કાઉન્સિલર શાહનવાઝ શેખની આગેવાનીમાં પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
મ્યુનિ.કાઉન્સિલરો શાહનવાઝ શેખ અને અઝરા કાદરી, એનએસયુઆઈ અમદાવાદના પ્રમુખ આસિફ પવાર, શહેર કોંગ્રેસના મહામંત્રી કૈયુમ કુરેશી તથા શહેર કોંગ્રેસ સોશિયલ મીડિયા એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર બુરહાનુદ્દીન કાદરીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં ૧૯ ડિસેમ્બર ર૦૧૯ના દિવસે સીએએ, એનઆરસીના વિરૂદ્ધના આંદોલન દરમિયાન જે હિંસા ભડકી હતી તે ખૂબ જ દુઃખદ ઘટના છે જેમાં જે લોકો ઘાયલ થયા છે એના માટે સંવેદના વ્યક્ત કરીએ છીએ તેમજ ભવિષ્યમાં આવી ઘટના અમદાવાદ શહેરમાં ન બને તે માટે પ્રાર્થના કરીએ છીએ પરંતુ અમારી નમ્ર વિનંતી છે કે જે લોકોની ધરપકડ થઈ છે. તેમાં ઘણી મહિલાઓ અને વિદ્યાર્થીઓનો પણ સમાવેશ છે તેમજ એક મહિલા તો ગર્ભવતી છે એવું જાણવા મળ્યું છે આથી કોઈ નિર્દોષ વ્યક્તિની હેરાનગતિ ન થાય તેમજ ચોક્કસ રીતે સમાજના આગેવાનો જે કોંગ્રેસ પાર્ટીના જવાબદાર હોદ્દેદાર છે તેમજ તેઓ કોઈપણ પ્રકારનો ગુનાહિત ઈતિહાસ ધરાવતા નથી અને તેઓ હંમેશા સમાજ અને પોલીસની મદદમાં આગળ રહે છે. આ આગેવાનો ઉપર જુદી જુદી રીતે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે આથી સીસીટીવી કેમેરાના આધારે આ લોકોની ભૂમિકા તપાસવામાં આવે કે જેઓ વારંવાર શાંતિની અપીલ કરતાં હતા માટે તેઓએ પોલીસ કમિશનરને વિનંતી કરી હતી કે સમગ્ર તપાસ નિષ્પક્ષ રીતે કરવામાં આવે અને તે માટે સમાજના જવાબદાર આગેવાનો પણ પોલીસને મદદ કરવા તૈયાર છે.