પાદરાના સાધી ગામના પરિવાર દ્વારા અગોરા મોલની સામે દેખાવો

(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૩૦,
શહેરના મંગલ પાંડે રોડ ઉપર આવેલા અગોરા મોલની સામે આજે પાદરા તાલુકાના સાધી ગામના પરિવારે દુકાનો માટે ભરેલા રૂપિયા ૧૮.૨૧ લાખ પરત કરવાની માંગ સાથેના પોષ્ટરો સાથે દેખાવો કર્યા હતા. પરિવારે આક્ષેપ મુક્યો હતો કે, અગોરા મોલના સંચાલકો નાણાં પરત કરવાને બદલે ધમકી આપી રહૃાા છે. પરંતુ, જ્યાં સુધી અમોને ન્યાય નહિં મળે ત્યાં સુધી અમો મોલ સામેથી હટવાના નથી. બનાવને પગલે સ્થળ પર પોલીસ પણ દોડી આવી હતી.
પ્રાપ્ત થતી વિગત અનુસાર, અગોરા મોલ સામે ન્યાય માંગવા પોષ્ટરો લઇને પરિવાર સાથે ઉભેલા પાદરા તાલુકાના સાધી ગામના ચેતનભાઇ નરેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, મંગલ પાંડે રોડ ઉપર આવેલા બાલાજી ગૃપના અગોરા મોલના અટલાદરા ખાતે આવેલા સ્કાય રાઇઝમાં ૬-૭ માસ પહેલાં રૂપિયા ૪૨ લાખમાં દુકાન નંબર-૩૯, ૪૦ અને ૦૨ની દુકાનો રૂપિયા ૧-૧ લાખના ચેક આપીને બુક કરાવી હતી.
તેમણે જણાવ્યું હતું કે, હું ખેતી કરૂં છું. મારે કોઇ વ્યવસાય કરવાનો ન હતો. પરંતુ, મોલ દ્વારા સ્કીમ બહાર પાડવામાં આવી હતી કે, જે ગ્રાહક દ્વારા દુકાન બુક કરાવશે તે દુકાનના ૮ ટકા પ્રમાણે દુકાન માલિકને પરત ચૂકવશે. આ સ્કીમ હેઠળ અમોએ દુકાનો બુક કરાવી હતી. આ ત્રણે દુકાનો માટે અમોએ સંચાલકોને તબક્કાવાર કેશ અને ચેકથી રૂપિયા ૧૮.૨૧ લાખ આપ્યા છે. જેના લેખિત પુરાવા અમારી પાસે છે.
ચેતનભાઇ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, અમોને દુકાનોની કિંમત વધુ લાગતા અમોએ ૩ દુકાનો બે માસ પહેલા કેન્સલ કરાવી હતી. જે કેન્સલ કરાવેલી દુકાનોની રૂપિયા ૧૮.૨૧ લાખ રકમ પરત લેવા માટે અમોએ સંચાલકો આશિષ શાહ, પંકજભાઇ અને નિરજભાઇ જાનીનો સંપર્ક કર્યો હતો. પરંતુ, તેઓ દ્વારા કોઇ દાદ આપવામાં આવતી નથી. અને અમોને અમારી ભરેલી રકમ પરત કરવાને બદલે અમોને ધમકીઓ આપવામાં આવી રહી છે.
ચેતનભાઇ પટેલે આક્ષેપ કર્યો હતો કે, હું મારી પત્ની કાશ્મિરા, બે વર્ષના પુત્ર નંદિશ અને પિતા નરેન્દ્રભાઇ પટેલ સવારથી મંગલપાંડે રોડ ઉપર આવેલા અગોરા મોલની સામે પોષ્ટર લઇને ન્યાય માટે ઉભા રહૃાા છે. પરંતુ, મોલના સંચાલકો દ્વારા દૂર થઇ જવા ધમકી આપવામાં આવી રહી છે. અને અમોને અહિંથી હટાવવા માટે પોલીસની મદદ લઇ રહૃાા છે. અમે મોલના સંચાલકો સામે પોલીસ ફરિયાદ કરવા માટે સક્ષમ નથી. અમોને ન્યાય જોઇએ છે.
સાધી ગામના પરિવારજનો દ્વારા અગોરા માલ પાસેથી નાણાં પરત લેવા માટે અપનાવેલા માર્ગ અંગે અગોરા મોલના સંચાલકોનો સંપર્ક સાધવા પ્રયાસ કર્યો હતો. પરંતુ, તેઓનો સંપર્ક થઇ શક્યો ન હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts