આગ્રા, તા. ૬
હવેથી આગ્રાના તાજ મહેલમાં આવતા સેલ્ફી ક્રેઝી પ્રવાસીઓએ પોતાની સેલ્ફી સ્ટીક અને મોબાઇલ ફોન ખિસ્સા તથા બેગમાં જ મુકી રાખવા પડશે કારણ કે, અહીં હવે સેલ્ફી લેવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. ભારતના પુરાતત્વીય ખાતાએ કુલ ૪૬ મ્યુઝિયમમાં સેલ્ફીલેવા પર પ્રતિબંધ મુક્યો છે જેમાં તાજ મહેલ પ્રાંગણમાં આવેલા તાજ મ્યુઝિયમનો પણ સમાવેશ થાય છે. પુરાતત્વીય અધિકારીએ જણાવ્યું હતુ કે, એએસઆઇની ફોટોગ્રાફી અને ફિલ્મીંગ પોલીસી સ્પષ્ટ રીતે દર્શાવે છે કે, મ્યુઝિયમના પરિસરમાં સેલ્ફીની પરવાનગી નથી. તેથી તાજ મ્યુઝિયમના સ્ટાફ તથા ટૂરિસ્ટ ગાઇડ્સને પણ સૂચના આપી દેવામાં આવી છે કે, તેઓ પ્રવાસીઓને આ અંગેની માહિતી આપે. દરમિયાન અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે, જો કોઇ પ્રવાસી કે મુલાકાતી આ પ્રકારની સેલ્ફી લેતો ઝડપાઇ જાય તો તેને દંડ ફટકારવો કે નહીં તેવી સ્પષ્ટ માહિતી નથી પરંતુ મ્યુઝિયમ સ્ટાફને કડકપણે કહી દેવામાં આવ્યું છે કે, તેઓ મ્યુઝિયમની અંદર સેલ્ફી કે કોઇપણ પ્રકારની ફોટોગ્રાફી કરતા રોકે. સેલ્ફી સ્ટીક કે તેની સાથેના અન્ય કોઇપણ પ્રકારના સાધનોના ઉપયોગ સામે પણ પ્રતિબંધ લગાવ્યો છે. આ ઉપરાંત ધંધાદારી ઉપયોગમાં લેવાતા ફોટાઓ માટે એએસઆઇ રકમ નક્કી કરશે જેમાં વીડિયો અને ફોટાઓનો સમાવેશ થાય છે. આગ્રાના નોંધાયેલા ગાઇડ એસોસિએશનના પ્રમુખ શમશુદ્દીને જણાવ્યું કે, તાજ મહેલના મધ્યભાગમાં એએસઆઇએ પહેલા જ ફોટો તથા વીડિયો લેવા પર પ્રતિબંધ મુક્યો છે અને લાલ પથ્થરના પ્લેટફોર્મ પર ફક્ત કોમર્શિયલ વીડિયોગ્રાફીની જ પરવાનગી છે.