સુલતાન અહમદશાહ બાદશાહે વસાવેલા
‘અમદાવાદ હેરિટેજ સિટીગાઈડ’ નામની એપ ડાઉનલોડ કરી શકાશે
અમદાવાદ, તા.૨૬
સુલતાન અહમદશાહ બાદશાહ (રહમતુલ્લાહ અલયહે)એ વસાવેલા અહમદઆબાદ શહેરને ૬૦૬ વર્ષ થઈ ચૂક્યા છે. આ છ સદી દરમિયાન શહેરમાં અસંખ્ય ઐતિહાસિક ઈમારતો અને સાંસ્કૃતિક ધરોહરની સ્થાપના કરવામાં આવી હતી. જે આજે પણ દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. આવી ઐતિહાસિક શહેરની સ્થાપત્યોથી યુવાપેઢી અવગત થાય તે હેતુથી અમદાવાદ મ્યુનિ. કોર્પો. તથા ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત સહયોગથી ‘અમદાવાદ હેરિટેઝ સિટીગાઈડ’ નામની એપ તૈયાર કરવામાં આવી છે. જે એન્ડ્રોઈડ અને આઈફોનમાં ફ્રીમાં ડાઉનલોડ કરી શકાશે. તાજેતરમાં વર્લ્ડ હેરિટેઝના દિવસે ‘ગુજરાત ગૌરવદિન’ની ઉજવણીના ભાગરૂપે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિ.ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ સેમિનાર દરમિયાન અમદાવાદના હેરિટેઝ મૂલ્યોને ઉજાગર કરતી મોબાઈલ એપ રજૂ કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે પૂર્વ અમદાવાદ એટલે અભૂતપૂર્વ અમદાવાદ એવું અમદાવાદ જેમાં ૬૦૦થી વધુ વર્ષનો ઈતિહાસ અમદાવાદની પોળો તથા ગલીગલીમાં શ્વાસ લે છે. અમદાવાદના હેરિટેઝની નોંધ યુનેસ્કો દ્વારા પણ લેવામાં આવી છે અને આજે અમદાવાદ દેશનું પહેલું ‘વર્લ્ડ હેરિટેજ સિટી’ બનવા થનગની રહેલ છે ત્યારે આ મોબાઈલ એપ અમદાવાદના હેરિટેઝ વર્ચસ્વને વિશ્વ ફલક પર એક આગવી ઓળખ અપાવશે. અમદાવાદની પોળમાં જીવંત લિવીંગ હેરિટેઝ હોય કે પછી વૈભવી ઈન્ડો-ઈસ્લામિક આર્કિટેક્ચર, આ એપમાં અમદાવાદના તમામ મૂલ્યોને આવરી લેતાં ૧૫૦થી વધુ સ્થળોની વિસ્તૃત માહિતી ફોટોગ્રાફ્સ તથા લોકેશન સહિત ઉપલબ્ધ છે. જેનો લાભ શહેરની મુલાકાતે આવતા પ્રવાસીઓને મળશે અને આ રીતે ટુરિઝમ પ્રવૃત્તિને પણ વેગ મળશે. આ એપ ડેવલોપ કરવામાં અમદાવાદ મ્યુનિ.કોર્પો. હેરિટેઝ વિભાગનું માર્ગદર્શન તથા ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાતનો સહયોગ પ્રેરણાદાયી રહ્યો છે. આ એપ માટે “સ્ટેપીન સોલ્યુશન” દ્વારા અમદાવાદ હેરિટેઝને લગતી તમામ આધારભૂત અને ઉપયોગી માહિતી આ એપમાં ઉપલબ્ધ કરાવવા પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે.