અંકલેશ્વર, તા.૧પ
જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા ભયંકર આતંકવાદી હુમલાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હુમલામાં શહીદ થયેલા જવાનો પ્રત્યે શોકની લાગણી રાજ્યસભા સાંસદ અને એ.આઇ.સી.સી. ખજાનચી અહમદભાઇ પટેલે વ્યક્ત કરી હતી.
તેઓએ જણાવ્યું હતું કે આ આતંકવાદી હુમલામાં જે રીતે અમારા જવાનો શહીદ થયા છે એની જેટલી પણ આલોચના કરીએ એ ઓછી છે આના માટે મારી પાસે શબ્દો નથી. ક્યાં સુધી અમારા જવાનો આવી રીતે શહીદ થયા કરશે ? આતંકવાદની બીમારીનું આપણે કઈક ને કઈક તો નિરાકરણ લાવવું પડશે. આ આતંકવાદની બીમારીને આપણે નેસ્તનાબુદ કરવી પડશે અને એમાં સૌને સાથે મળીને ચાલવું પડશે. આના માટે સરકાર જે પણ પગલા લેવા માંગે છે એમાં અમે સરકારની સાથે છીએ. અમારા જવાન જે એટલી મહેનત અને પરિશ્રમોમાંથી પસાર થઈને સેનામાં જોડાય છે. તેમનું આવા હુમલોમાં શહીદ થવું આ સૌથી મોટી તેઓના પરિવાર માટે અને આપણા બધા માટે ખૂબ જ દુઃખદ ઘટના છે. આ ઘટનાને હું સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું અને શહીદ થયેલા જવાનો માટે શોક વ્યકત કરૂં છું.