(એજન્સી) તા. ર૫
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલે રવિવારે પાકિસ્તાન માટે અચોક્કસ નીતિ અને વિપક્ષી નેતાઓની દેશભક્તિ વિશે પ્રશ્નો ઊભા કરવાના વલણ બદલ વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યા હતા. અહમદ પટેલે કહ્યું હતું કે, વૈચારિક વિરોધીઓને આતંકવાદના હમદર્દ કહેવું, એ ‘દેશદ્રોહ’ છે. પટેલે શ્રેણીબદ્ધ ટ્વીટમાં કહ્યું હતું કે, ‘જો મોદીજી પાકિસ્તાન સાથે મંત્રણા કરે તો તે રાષ્ટ્રના હિતમાં છે, પરંતુ જો અન્ય લોકો શાંતિ મંત્રણા યોજે તો તેમને આતંકવાદ સમર્થક અને પાકિસ્તાન સમર્થક કહેવામાં આવે છે. સાહેબ(મોદી) તમે ક્યાંથી આવા દંભ લાવો છો ? દેશભક્તિના નામ પર આ પ્રકારની મજાક કરવા બદલ દેશ તમને ક્યારેય માફ નહીં કરે.’ પુલવામા હુમલા પછી ભારત-પાકિસ્તાન વચ્ચે અઠવાડિયાઓ સુધી ચાલેલી તંગદીલી બાદ રર માર્ચે પાકિસ્તાનના રાષ્ટ્રીય દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને શુભેચ્છા પાઠવતાં અહમદ પટેલે આ ટ્વીટ કરી વડાપ્રધાન મોદીના બેવડા ધોરણો સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીના રાષ્ટ્રીય સલાહકારે કહ્યું હતું કે, દેશભક્તિનો અર્થ થાય છે દેશ અને તેના નાગરિકો બંનેને પ્રેમ કરવો. પટેલે કહ્યું હતું કે, ‘દરેક વિચારધારાનું સન્માન કરવું એ દેશભક્તિનો હાર્દ છે, પરંતુ જો વૈચારિક વિરોધીઓને આતંકવાદના હમદર્દ કહે તો તે દેશદ્રોહ છે.’ રાજ્યસભાના સાંસદે કહ્યું હતું કે, ‘કોંગ્રેસ ક્યારેય પણ વિરોધીઓ સામે આ પ્રકારની અશોભનીય ટિપ્પણીઓનો ઉપયોગ કરતી નથી કારણ કે, આ દેશ દરેકનો છે અને આ જ દેશભક્તિનો સાચો અર્થ છે.’ ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી અને ભાજપના વરિષ્ઠ નેતાઓ આક્ષેપ કરી રહ્યા છે કે, બાલાકોટ પર કરવામાં આવેલા હવાઈ હુમલા સામે પ્રશ્નો ઊભા કરી કોંગ્રેસે સશસ્ત્ર દળોનું અપમાન કર્યું છે.