સુપ્રીમકોર્ટ અહમદભાઈ પટેલની એમની રાજ્યસભાની ચૂંટણીને પડકારતી અરજી સાંભળશે

(એજન્સી) નવી દિલ્હી, તા.ર
સુપ્રીમકોર્ટે કોંગ્રેસ નેતા અહમદભાઈ પટેલની એમની રાજ્યસભાની ચૂંટણીને પડકારતી અરજીની સુનાવણી ૯મી જુલાઈએ કરશે. પટેલે સુપ્રીમકોર્ટ પાસેથી માગણી કરી છે કે, એ ગુજરાત હાઈકોર્ટને આદેશો આપે કે એમની રાજ્યસભાની ચૂંટણીને પડકારતી અરજીની સુનાવણી હાઈકોર્ટ નહીં કરે. પટેલ ગયા વર્ષે રાજ્યસભામાં ચૂંટાયા હતા, એમણે ભાજપના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂતને હાર આપી હતી જે કોંગ્રેસમાંથી છૂટા પડી ભાજપા સાથે જોડાયા હતા અને ભાજપે એમને રાજ્યસભામાં ઉમેદવાર બનાવ્યા હતા. પટેલનો વિજય ચૂંટણી પંચના નિર્ણયના લીધે શકય બન્યો હતો. ચૂંટણી પંચે બે કોંગ્રેસના ધારાસભ્યો ભોલાભાઈ ગોહિલ અને રાઘવભાઈ પટેલના મતો રદ કર્યા હતા. જેનાથી જીતવા માટે મતોની સંખ્યા ૪પમાંથી ઘટી ૪૪ થઈ ગઈ. અહમદભાઈ પટેલને ચૂંટાયેલ જાહેર કરાયા પછી બલવંતસિંહ રાજપૂતે ગુજરાત હાઈકોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણયને પડકાર્યો હતો. રાજપૂતે રજૂઆત કરી કે પંચે કોંગ્રેસી સભ્યોના મતો ખોટી રીતે રદ કર્યા હતા જો પંચે બે મતો રદ નહીં કર્યા હોત તો પટેલ હારી ગયા હોત અને રાજપૂત પોતે વિજય થયા હોત. રાજપૂતે એ પણ આક્ષેપો મૂકયા કે પટેલ ધારાસભ્યોને લાંચ આપવાના ભાગરૂપે બેંગ્લુરૂના એક રિસોર્ટમાં લઈ ગયા હતા. અહમદભાઈ પટેલે રાજપૂતની અરજી રદ કરવા માગણી કરી હતી. એમણે કહ્યું કે રાજપૂતે કાયદાકીય જોગવાઈઓ હેઠળ અરજીની ખરી નકલ આપી ન હતી. હાઈકોર્ટે જો કે અહમદભાઈ પટેલની દલીલ માન્ય રાખી ન હતી અને કહ્યું કે અરજદારે પોતાની આ ખામીને સુધારી છે જેથી હવે કોઈ ખામી રહેતી નથી. અહમદભાઈ પટેલ હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમકોર્ટમાં ગયા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts