અહમદ પટેલ અને અશોક ગેહલોતની હાજરીમાં આજે કોંગ્રેસ કારોબારીની મહત્ત્વની બેઠક

અમદાવાદ, તા.૨૪
ગુજરાત કોંગ્રેસમાંથી વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ પક્ષ સાથેનો છેડો ફાડયા બાદ આવતીકાલે પ્રદેશ કોંગ્રેસની મહત્વની કારોબારીની બેઠક મળવા જઇ રહી છે. આવતીકાલે મળનારી કારોબારીની બેઠકમાં કોંગ્રેસના રાષ્ટ્રીય સલાહકાર અહમદ પટેલ અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત પણ ખાસ હાજરી આપશે. અહમદ પટેલ અને અશોક ગેહલોત કોંગ્રેસના તમામ ધારાસભ્યો સાથે પણ આવતીકાલે મહત્વની બેઠક યોજશે. જેમાં રાજયસભાની બેઠકની આગામીને ચૂંટણીને લઇ ધારાસભ્યોને ખાસ સૂચના અપાય તેવી શકયતા છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પક્ષ દ્વારા રાજયસભાની બેઠક માટે અહમદ પટેલને રિપીટ કરાયા છે. બાપુએ કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડયા બાદ હવે ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીઓને લઇ જરૂરી વ્યૂહરચના ઘડવા, ચૂંટણીમાં કોંગ્રેસની જવલંત જીત માટે કયા પ્રકારની રણનીતિ ઘડવી, બાપુની ગેરહાજરીમાં હવે કઇ રીતે નક્કર યોજના અને ચૂંટણી પ્રચાર-પ્રસારની રણનીતિ સાથે આગળ વધવુ સહિતના મુદ્દાઓને લઇ આવતીકાલે સવારે ૧૧-૦૦ વાગ્યે પ્રદેશ કોંગ્રેસની કારોબારીની મહત્વની બેઠક રાજીવગાંધી ભવન, પાલડી ખાતે મળશે. બેઠકમાં મુખ્ય મુદ્દો વિધાનસભા ચૂંટણીનો રહેશે પરંતુ સાથે સાથે શંકરસિંહની ગેરહાજરીમાં કઇ રીતે હવે ચૂંટણીની કમાન સંભાળી આગળ વધવુ તે મુદ્દો પણ અગ્રતાક્રમે હશે. બીજીબાજુ, રાજયસભાની બેઠકની ચૂંટણીને લઇ અહમદ પટેલ અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજશે. જેમાં ધારાસભ્યોને જરૂરી સૂચના અને નિર્દેશ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોંગ્રેસના ૧૧ ધારાસભ્યોના ક્રોસ વોટીંગ બાદ હવે રાજયસભાની ચૂંટણીમાં આ પ્રકારની રમત રમાઇ ના જાય તે માટે કોંગ્રેસ પક્ષ કોઇ ચાન્સ લેવા નથી માંગતી, કારણ કે, રાજયસભાની બેઠકની ચૂંટણી પ્રતિષ્ઠા અને ઇજ્જતના સવાલ સમાન છે અને તેથી કોંગ્રેસે આ બેઠકનો ખેલ સફળતાપૂર્વક પાર પાડવા એડીચોટીનું જોર લગાવ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks