રાજપીપળા, તા.૧૦
ગુજરાત રાજ્યસભાની ૩ સીટો માટે મંગળવારે ભારે રસાકસી વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. જેમાં અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીની તો જીત પાકી જ હતી, પણ કોંગ્રેસમાંથી રાજીનામંુ આપી ભાજપના ત્રીજા ઉમેદવાર બલવંતસિંહ રાજપૂત અને કોંગ્રેસના અહમદ પટેલ વચ્ચે રસાકસી હતી. જોકે મોડી રાત્રે કોંગ્રેસના દિગજ્જ અહમદ પટેલને ૪૪ મત મળતા વિજેતા જાહેર કરાયા હતા. અહમદ પટેલની આ જીતને નર્મદા જિલ્લાના કોંગ્રેસી કાર્યકરોએ ફટાકડા ફોડી આતશબાજી સાથે ઉજવણી કરી હતી. જેમાં રાજપીપળામાં પ્રદેશ કોંગ્રેસ મંત્રી હરેશ વસાવા, યુથ કોંગ્રેસના અજય વસાવા, અમિત માલી, વાસુદેવ વસાવા, મહિલા કોંગ્રેસના નીલમ વસાવા, માઇનોરિટી કોંગ્રેસ પ્રમુખ ઈમ્તિયાઝ અલી કાદરી, ડેડિયાપાડામાં માજી ધારાસભ્ય અમરસિંહ વસાવા, માલજી વસાવા, પંકજ વસાવા, દામુ વસાવા, વનરાજ વસાવા, તિલકવાડા તાલુકામાં પ્રમુખ રાજુ ભીલ, મલંગ રાઠોડ, કપુર ભીલ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરોએ દિવાળી જેવો માહોલ ઊભો કર્યો હતો. કોંગ્રેસ સાથે ગદ્દારી કરનારા ધારાસભ્યો વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી અને રાહદારીઓને મીઠું મોઢું કરાવ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી હરેશ વસાવાએ જણાવ્યું હતું કે, અહમદ પટેલની જીતે ભાજપના શામ, દામ, દંડની સામે કાર્યકરોના વિશ્વાસની જીત છે. અહમદ પટેલની જીતે ભાજપની જીતને ફિક્કી કરી દીધી છે, કોંગ્રેસી કાર્યકરોમાં નવું જોશ પુરાયું છે. આ ચૂંટણીમાં ભાજપાએ લોકશાહીનું ખૂન કર્યું છે. અહમદ પટેલની જીતે ૨૦૧૭ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીતનો પાયો નાખ્યો છે. સમગ્ર દેશના તંત્ર અને ભાજપ સામે ગુજરાત કોંગ્રેસે અડગ રહી અહમદ પટેલને જીતાડ્યા તેનાથી કોંગ્રેસમાં એકતા છે એવું સાબિત થાય છે.