(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૮
દેશભરમાં જીએસટીનો વિરોધ દિન-પ્રતિદિન ઉગ્ર બનતો જાય છે. ખાસ કરીને જે ક્ષેત્રમાં અસહ્ય જીએસટીનો બોજ લાદવામાં આવ્યો છે તે ક્ષેત્રના વેપારીઓ ખાસ કરીને કાપડ ક્ષેત્રે, હાર્ડવેર તથા તેને સંલગ્ન વસ્તુઓ, ફર્નિચર સહિતના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે અને હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. ટેક્ષ્ટાઈલ ક્ષેત્ર સાથે સંકળાયેલા વેપારીઓ ગતરોજ દિલ્હી ગયા હતા. જ્યાં તેમણે કોંગ્રેસના વરિષ્ઠ નેતા, ગુજરાતના પનોતા પુત્ર અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહમદભાઈ પટેલ સાથે મુલાકાત કરતાં અહમદભાઈ પટેલે તેમને યોગ્ય સ્તરે રજૂઆત કરવાની બાંહેધરી આપી હતી. અહમદભાઈ પટેલે ટ્વીટ કરીને આ અંગેની વિગત આપતાં જણાવ્યું છે કે ટેક્ષ્ટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓનું પ્રતિનિધિ મંડળ જીએસટીના સળગતા પ્રશ્ને રજૂઆત કરવા મને મળ્યું હતું અને મેં તેમને યોગ્ય સ્તરે, સંસદમાં અને કોંગ્રેસ શાસિત રાજ્યોની જીએસટી કાઉન્સિલમાં રજૂઆત કરવાની ખાતરી ઉચ્ચારી હતી.