અમદાવાદના હાસ્ય લેખક પદ્મશ્રી તારક મહેતાનું ૮૭ વર્ષે નિધન

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રેરણાસ્રોત

અમદાવાદ, તા.૧

અમદાવાદના વિખ્યાત હાસ્ય લેખક પદ્મશ્રી તારક મહેતાનું ગઈ કાલે નિધન થતાં તેમના ચાહકોમાં શોકનું વાતાવરણ સર્જાયું છે. ‘દુનિયાને ઊંધા ચશ્મા’થી સૌના હૈયે વસી ગયેલા અને હિન્દી સિરિયલ ‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’ના કારણે દેશભરમાં લોકપ્રિય બનેલ ૮૭ વર્ષીય તારક મહેતાનું લાંબી બીમારી બાદ અવસાન થયું હતું. માર્ચ ૧૯૭૧માં ‘ચિત્રલેખા’ મેગેઝિનમાં તારક મહેતાની પ્રથમ સાપ્તાહિક હાસ્ય કોલમ આવી હતી. દરેક સમકાલીન મુદ્દાઓને જુદા જ પ્રકારે જોતાં તારક મહેતા ચહેરા પર હંમેશા સ્મિત સાથે જ રજૂ કરતા હતા. તેઓએ ‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’ને પ્રેરણા આપી હતી. ર૦૦પમાં તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. નાગપુર સમુદાય ધરાવતા તારક મહેતા ર૦૦૦થી ગુજરાતમાં વસે છે. તેઓની બે પત્ની હતી. જેમાં પ્રથમ પત્નીએ તેમને છોડી મનોહર દોશી સાથે લગ્ન કરી લીધા હતા. તેઓ તેમની બીજી પત્ની ઈન્દુ સાથે રહેતા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત અનેક નેતાઓ અને ફિલ્મ-ટીવી જગતના કલાકારોએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલી અર્પી હતી.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, અહમદ પટેલ, શંકરસિંહ વાઘેલા વગેરેએ તારક મહેતાને આજે શ્રદ્ધાંજલિ આપી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુપ્રસિધ્ધ હાસ્યલેખક નાટયકાર તારક મહેતાના અવસાન અંગે અંજલિ આપતા જણાવ્યું છે કે તારકભાઈએ ૪૦-૪૦ વર્ષોથી હાસ્યલેખોની હારમાળા અને વિશેષ તો પાછલા ઘણા વર્ષોથી હાસ્ય ધારાવાહિક તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી દેશ અને દુનિયામાં ઘેર ઘેર આબાલ વૃધ્ધ સૌને નિર્દોષ હાસ્યરસની રોજે રોજ પ્રતીતી કરાવી છે. ગુજરાત સરકારના ગૌરવ પુસ્કારની સન્માનિત તારક મહેતાને તાજેતરમાં રમણભાઈ નિલકંઠ હાસ્ય પ્રદાન પુરસ્કાર પણ જાહેર થયો છે. મુખ્યમંત્રીએ તારક મહેતાના ધર્મપત્ની ઈન્દુબેન સાથે ટેલિફોન વાતચીત કરીને સાંત્વના પાઠવી હતી. જાણીતા સાહિત્યકાર, પ્રતિષ્ઠિત હાસ્ય લેખક, પદ્મશ્રી તારક મહેતાના નિધન અંગે ઘેરા શોકની લાગણી સાથે ભાવાંજલી પાઠવતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સચિવ અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે તારકભાઈ મહેતાના વ્યંગ સાથેના લેખો, અદ્‌ભૂત સાહિત્ય સર્જનનો ભાગ હતા. સમગ્ર દેશમાં તારક મહેતાના ઉલ્ટા ચશ્માની ટીવી સીરિયલના માધ્યમથી તેઓનું હાસ્ય સર્જન દરેકના હૃદયમાં કોતરાયેલું છે. તેમના નિધનથી ગુજરાત, ગુજરાતી જ નહીં પણ સમગ્ર દેશે એક પ્રતિષ્ઠિત હાસ્યસર્જક ગુમાવ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ પણ તારક મહેતાના નિધન અંગે ઘેરા પ્રત્યાઘાતની લાગણી સાથે શોકાંજલી પાઠવી છે. તારક મહેતાના નિધનના સમાચાર સાંભળતા જ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે તેમના નિવાસ સ્થાને પહોંચીને અંતિમ દર્શન સાથે પુષ્પાંજલી અર્પી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks