(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.ર
અમદાવાદના બહુચર્ચિત ગેંગરેપ મામલે રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે પીડિતા દ્વારા ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારી સામે ગંભીર આક્ષેપો કરાતા તે અંગે ચર્ચાનું બજાર ગરમ થવા પામ્યું છે. રાજ્ય સરકારે પણ તેની ગંભીર નોંધ લઈ આજે નાયબ મુખ્યમંંત્રી સાથે ગૃહ રાજ્યમંત્રીએ ખાસ વિસ્તૃત બેઠક યોજી હતી. આ ઉપરાંત બનાવ અંગેની સઘળી વિગતો તથા તપાસ અંગેના અહેવાલથી મુખ્યમંત્રી રૂપાણીને પણ વાકેફ કરવામાં આવ્યા છે. આગામી સપ્તાહમાં આ સમગ્ર ઘટના પરનો પડદો ઉંચકાય તેવી શક્યતા છે. શહેરમાં બનેલી સામૂહિક બળાત્કારની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચાવી છે. ત્યારે આ ઘટનાનો ભોગ બનેલી પીડિતાએ આ કેસમાં ઉચ્ચ પોલીસ અધિકારી સામે ચોંકાવનારા આક્ષેપો કરતા સરકાર પણ હચમચી ગઈ છે. જેને પગલે આજે આ ઘટનાને લઈને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે ખાસ બેઠક કરી હતી. જો કે પોલીસ અધિકારી સામે થયેલા આક્ષેપો અંગે ટોચના સૂત્રોએ કંઈપણ કહેવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. આ ઘટના અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હાલ તપાસ ટીમ દ્વારા સાયન્ટિફિક સંયોગિક પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. હાલ ખૂબ નાજુક સ્થિતિમાં પહોંચેલી આ તપાસના અંતે સપ્તાહ બાદ સમગ્ર કાંડ પરથી પડદો ઉચકાશે તેમ ટોચના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, આજે ઘટનામાં સંડોવાયેલા એક આરોપી એવા વૃષભ મારુંના પરિવારજનોએ પણ પત્રકાર પરિષદ બોલાવી ઘટનામાંથી હાથ ખંખેરવા પ્રયત્ન કર્યા હતા. જો કે આ ઘટનામાં તપાસ સાથે સંંકળાયેલા અધિકારીઓ પર સરકારને વિશ્વાસ છે. ત્યારે ગૃહ વિભાગના ટોચના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ તપાસ હાલ નાજુક તબક્કામાં હોઈ સરકાર કોઈ રિએક્શન આપવા માંગતી નથી. જો કે આજે મળેલી બેઠકમાં ગૃહ રાજ્યમંત્રીએ સમગ્ર ઘટનાની તપાસ અંગે નાયબ મુખ્યમંત્રીને વિસ્તૃત માહિતી આપી હતી. ત્યારબાદ આજે સાંજે મુખ્યમંંત્રી રૂપાણીને પણ સમગ્ર ઘટના અને ત્યાર પછીની તપાસ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.