Ahmedabad

“શ્રેય” અગ્નિકાંડનો શ્રેય સરકારે લેવો જ રહ્યો

જીવનની આખરી આશા I.C.U.. જ જીવન ભરખી જાય તો જવું ક્યાં ? • કરૂણાંતિકા સર્જાય પછી જ સરકાર સફાળી જાગી હોવાનો બે-ચાર દિવસ તાયફો કરે છે અને પછી બીજી કરૂણાંતિકા સર્જાય ત્યાં સુધી સૂઈ જાય છે

ગત ર૪-પ-ર૦૧૯ના રોજ  સુરતના તક્ષશિલા કોચિંગ કલાસમાં અગ્નિકાંડ સર્જાયો ત્યારે રર આશાસ્પદ વિદ્યાર્થીઓની જિંદગી આગમાં હોમાઈ ગઈ…. આ ઘટના બાદ સમગ્ર ગુજરાત હચમચી ગયું….દેશભરમાં હાહાકાર મચી ગયો હતો. એ વખતે એ સત્ય બહાર આવ્યું હતું કે, કોચિંગ કલાસીસ જ ગેરકાયદે અવસ્થામાં હતો અને અગ્નિશમન માટેની કોઈ કાયદેસરની વ્યવસ્થા જ ન હતી. જેના કારણે આગ લાગ્યા બાદ બચવાનો કોઈ વિકલ્પ જ ન હતો. રીતસર મોતના પાંજરા જેવો આ કોચિંગ કલાસ હતો અને આશ્ચર્યની વાત છે કે સુરત જ નહી પરંતુ અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર વગેરે જેવા મહાનગરોમાં આવા મોતના પાંજરા આજની તારીખે પણ હજારોની સંખ્યામાં ઠેર-ઠેર ચાર-પાંચ-છ માળની ઈમારતોના રૂપમાં અડીખમ ઊભા છે. લાખો લોકો આ પાંજરાઓમાં દરરોજ આવે-જાય છે પણ જીવતા બહાર નીકળી જાય તો નસીબદાર બાકી સુરતની તક્ષશિલા કે અમદાવાદની ‘શ્રેય’ની જેમ હતભાગી થઈ જાય.

અમદાવાદની શ્રેય હોસ્પિટલના ICU માં અગ્નિકાંડ સર્જાયો અને તેમાં રહેલા તમામે તમામ ૮ દર્દીઓના જીવનદીપ ‘અગ્નિ’ એ ઓલવી નાખ્યા ત્યારે એ ‘સત્ય’ બહાર આવ્યું કે આ હોસ્પિટલ પાસે ફાયર NOC જ નહતું. ફાયર NOC ન હોય તો કોઈ સારી કે કોમર્શિયલ બિલ્ડિંગને પણ વાપરવાની પરવાનગી ન અપાય ત્યારે આ તો હોસ્પિટલની ઈમારત હતી તેને ફાયર NOC વગર ચાલુ કરવા જ કઈ રીતે દેવાઈ ? અને એય પાછી વર્ષોથી ચાલતી હતી…!!! આનાથી મોટી તંત્રની બેદરકારી કે નિંભરપણું શું હોઈ શકે ? હજી પરાકાષ્ટા તો એ આવે છે કે હાલમાં જ જ્યારે કોરોનાની મહામારી ફાટી નીકળી ત્યારે તંત્રએ શહેરની જે ખાનગી હોસ્પિટલોને કોવિડ ડેઝિગ્નેટેડ કરી એમાં આ ‘શ્રેય’ હોસ્પિટલનો સમાવેશ કરાયો હતો. ત્યારે રાજ્યના આરોગ્ય અને મ્યુનિ.તંત્રએ કેવો દાટ વાળ્યો હશે એ એના પરથી કલ્પી શકાય કે આ શ્રેય હોસ્પિટલને ‘કોવિડ ડેઝિગ્નેટ હોસ્પિટલ’ નો વિશિષ્ટ દરજ્જો ફાયર NOC સર્ટી જેવી અત્યંત જરૂરી અને મહત્ત્વની શરત વગર જ મંજૂરી આપી દેવાઈ ? આટલી ગંભીર બેદરકારીનો શ્રેય પણ સરકારે હવે લેવો જ રહ્યો.

આ હોસ્પિટલનો ICU વોર્ડ એટલે કે હોસ્પિટલનો સૌથી આધુનિક અને મોંઘોદાટ વોર્ડ કે જેમાં ગંભીર પરિસ્થિતિ ધરાવતા દર્દીઓ તન, મન, ધનથી જીવન માટેનો સંઘર્ષ લડી રહ્યા હતા. ICU વોર્ડએ દર્દીની જિંદગી માટેની આશાની અંતિમ અને સૌથી મોટી આશા હોય છે ત્યારે તેની તરફ તો અત્યંત સભાન અને સંવેદનશીલ વ્યવસ્થા હોવી જોઈએ. વળી આ વોર્ડમાં તો આયશાબેન તિરમીઝી જેવાં દર્દી પણ હતાં કે જેઓ કોરોના સામેનો જંગ જીતી ગયાં હતાં છેલ્લા કેટલાય દિવસોથી તે ICUમાં હિંમતપૂર્વક કોરોના સામેનો જંગ લડી રહ્યા હતા અને બીજા દિવસે તો તેમને ICUમાંથી સામાન્ય રૂમમાં ટ્રાન્સફર કરવાની તૈયારી ચાલતી હતી. ગત ર૮-૭-ર૦ર૦ અને ર-૮-ર૦ર૦નો કોરોનાનો તેમનો રિપોર્ટ પણ નેગેટિવ આવી જ ગયો હતો. ત્યારે રાત્રે ત્રણેક વાગે લાગેલી આગે આયશાબેન સહિત આઠ-આઠ આશાસ્પદ જિંદગીઓને રાખ કરી નાખી; એટલું જ નહીં પણ આ આઠેય દર્દીઓના સ્વજનોના સપનાઓને રોળી નાખ્યાં…… તમે જરા વિચાર તો કરો કે રાતના ત્રણેક વાગે સર્જાયેલા આ અગ્નિકાંડમાં મોતના કાળા પડછાયામાંથી બહાર આવવા મથી રહેલી આ જિંદગીઓ પર કેવી કયામત વીતી હશે…. આ કરૂણાંતિકાનું વર્ણન કરવા તેઓ તો હયાત નથી રહ્યા પણ સરકાર તો હયાત છે ને ? આપણે તો હયાત છીએને ? ત્યારે શું આપણે પણ સરકારની જેમ હાથ પર હાથ રાખીને સંવેદનહીન બનીને બેસી રહીશું ? કે પછી આ કહેવાતી ‘સંવેદનશીલ’ સરકારને જગાડીશું ? શું સરકારને હજી પણ સંવેદનશીલ બનવાની અપીલ કરવી પડશે  ? તે ખરેખર કંઈક કરશે ? કે પછી સુરતની તક્ષશિલા અને અમદાવાદની શ્રેય બાદ ગુજરાતના અન્ય કોઈ નગરની આવી જ કોઈ ઈમારતના અગ્નિકાંડની રાહ જોશે ??

– અલમદાર બુખારી

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  AhmedabadGujarat

  વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

  રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
  Read more
  Ahmedabad

  અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચતા જ ATSએ તેમની કરી ધરપકડISIS સાથે સંકળાયેલ શ્રીલંકાના ચાર શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી લેવાયા

  ATSના ડીવાયએસપીને ૧૮ મેએ બાતમી મળ…
  Read more
  AhmedabadGujarat

  માવઠાના માર બાદ અગનભઠ્ઠીમાં શેકાયું ગુજરાત : સુરેન્દ્રનગરમાં પારો ૪૪.૭ ડિગ્રી

  ડીસામાં ૪૪.૪, અમદાવાદમાં ૪૪.ર અને…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.