સુરત, તા.૧૪
ઝડપી અને વિનામૂલ્યે ન્યાય અપાવવામાં આહ્વા કોર્ટના મધ્યસ્થીકરણ કેન્દ્રને સફળતા મળી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગત તા.રજી ઓક્ટોબર-ર૦૧૭ના રોજથી ડાંગ જિલ્લા ન્યાયાલય ખાતે કાર્યરત કરાયેલા મધ્યસ્થીકરણ કેન્દ્ર દ્વારા, નવસારી-ડાંગના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ શ્રી એલ.એસ.પીરઝાદા તથા આહ્વાના ન્યાયાધીશ શ્રી અમિતકુમાર કાનાણીના માર્ગદર્શન હેઠળ, એક પછી એક કેસો હાથ ઉપર લઈ, તેના સફળ નિકાલની દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના પરિણામરૂપે તાજેતરમાં એક સાત વર્ષના પતિ-પત્નીના ઝઘડાના કેસનું સુખદ સમાધાન થતાં, બન્ને પરિવારોમાં સંતોષની લાગણી પ્રસરી જવા પામી છે.
નવસારીના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ શ્રી પીરઝાદા તાજેતરમાં ડાંગ જિલ્લાના ન્યાયાલયોની મુલાકાતે આવ્યા હતા. દરમ્યાન તેમને મળેલી માહિતી અનુસાર, છેલ્લા સાત વર્ષોથી બે કુટુંબો વચ્ચે પતિ-પત્નીના ઝઘડાનો કેસ ચાલતો હતો. પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ શ્રી એલ.એસ.પીરઝાદાએ માનવીય અભિગમ અપનાવી, આ દંપતિ અને પરિવાર સાથે રૂબરૂ મુલાકાત અને સમજાવટનો પ્રયાસ કર્યો હતો. વિદ્વાન ન્યાયાધિશના હકારાત્મક અને લાગણીભીના પ્રયાસોને કારણે આ કેસમાં સુખદ સમાધાન કારણે ખુશી અને સંતોષ અનુભવતા આ દંપતિ અને તેમના પરિવારજનોએ ન્યાયાધિશશ્રી પીરઝાદાની દરમ્યાનગીરી, અને મધ્યસ્થીકરણ કેન્દ્રના આ પુણ્યકાર્યને બિરદાવી, આભારની લાગણી વ્યકત કરી છે. ઉલ્લેખનીય છે કે, આહ્વાના આ મધ્યસ્થીકરણ કેન્દ્ર દ્વારા આ કેન્દ્રના ઉદ્ઘાટન વેળા જ અકસ્માત વળતર કેસના એક ચુકાદામાં સમાધાનકારી વલણ અપનાવી, અરજદારને રૂા.પ.ર૦ લાખનો ચેક પણ અર્પણ કરાયો હતો.