(એજન્સી) તા.૧૪
બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર સાથે ફિલ્મ એરલિફ્ટ સહિત અનેક ફિલ્મોમાં દમદાર ભૂમિકા ભજવનાર અભિનેતા ઈનામુલ હકે મુંબઇના વર્સોવા વિસ્તારમાં સ્થિત એક સોસાયટી વિરૂદ્ધ માનસિક રીતે તેમને અને તેમના પરિવારના લોકોને હેરાનગતિ કરવાનો આરોપ મૂક્યો છે. એરલિફ્ટ ઉપરાંત જોલી એલએલબી-ર અને ફિલ્મિસ્તાન જેવી ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલા ઈનામુલે સોસાયટી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી દીધી છે. ઈનામુલે વર્સોવાના કલ્યાણ કોમ્પલેક્ષ સ્થિત દિપ્તિ શક્તિ મુક્તિ સોસાયટી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા કહ્યું કે મને ભાડાના નવા મકાનમાં શિફ્ટ થવાનું હતું પરંતુ સોસાયટીના મેનેજમેન્ટે મને સમિતિના સભ્યો સાથે મુલાકાત જ કરવા ન દીધી. તે એક મહિના સુધી મને લટકાવતા રહ્યા. પહેલા મને અને મારી પત્નીને બાળકોને લાવીને પરણેલો હોવાનો પુરાવો આપવા કહ્યું. જો કે તેઓ હોલિડે પર બહાર ગયા હતા. તેમના પરત ફર્યા બાદ તેઓએ મને એપોઈન્ટમેન્ટ આપવા ઈન્કાર કરી દીધો. ઈનામુલ હકે આ મામલે ફેસબુક પર એક મોટી પોસ્ટ લખીને ઘટનાની જાણકારી આપી. તેમની આ પોસ્ટ પણ ઘણી શેર થઇ છે.
માય નેમ ઈઝ ઈનામુલ હક એન્ડ આઇ એમ નોટ અ બેચલર…
આ નામે તેમના પોસ્ટમાં લખ્યું છે કે તમે શું કરશો ? જો તમને કહેવામાં આવે કે તમને ભાડે મકાન એટલા માટે ન આપી શકાય કેમ કે તમે ફલાણા ધર્મ સાથે સંકળાયેલા છો. તમે કદાચ આગળ વધી જશો કેમ કે તમે સત્યને બદલી ના શકો કે ખરેખર તમે ફલાણા ધર્મ સાથે સંકળાયેલા છો. તેમણે લખ્યું કે તમે શું કરશો ? જો તમને કહેવાય કે તમને ભાડાનું મકાન એટલા માટે ન અપાય કેમ કે તમે ફિલ્મ લાઈન સાથે સંકળાયેલા છો. કદાચ તમે ફરી આગળ વધી જશો કેમ કે તમે આ સત્યને પણ ન બદલી શકો કે ખરેખર તમે ફિલ્મ લાઈન સાથે સંકળાયેલા છો. તમે શું કરશો ? જો તમે કહેવાય કે તમે બેચલર છો એટલા માટે મકાન ન અપાય. કદાચ તમે ફરી આગળ વધી જશો કેમ કે તમે આ સત્યને પણ ન બદલી શકો કેમ કે તમે બેચલર છો. પરંતુ તમે ત્યારે શું કરશો ? જ્યારે તમે ખરેખર બેચલર નથી તેમ છતાં મકાન એટલા માટે ન મળતું હોય કે તમે બેચલર છો ?