(એજન્સી) નવી દિલ્હી, તા.૧ર
દિલ્હીમાં આવેલા ૬ જિલ્લા કોર્ટોના બધા જ વકીલો આજે એક દિવસની હડતાળ પાડશે. એ હડતાળ અમુક જજોની ગેરવતર્ણૂકના વિરોધમાં પાડવામાં આવી રહી છે. અમુક જજો પક્ષકારો સાથે ખૂબ જ ખોટી રીતે વ્યવહાર કરે છે. એ ઉપરાંત ન્યાયતંત્રમાં ફેલાયેલ ભ્રષ્ટાચારના વિરોધ માટે પણ હડતાળ પાડવામાં આવી રહી છે. દિલ્હી બાર એસોસિએશનની કો-ઓર્ડિનેશન કમિટીના સેક્રેટરી વકીલ જયવીરસિંહ ચૌહાને કહ્યું કે અમોએ હાઈકોર્ટને એ જજોના નામોની યાદી આપી છે પણ હાઈકોર્ટે એમની સામે કોઈ પણ પ્રકારના પગલાં લીધા નથી. કમિટી દ્વારા સર્વસંમતિથી પસાર કરાયેલ ઠરાવમાં જણાવાયું છે કે, અમુક જજો વારંવાર વકીલો સાથે ગેરવર્તણૂક કરે છે અને એમને પોતાનાથી જૂનિયર ગણી તોછડો વહેવાર કરે છે. હડતાળના લીધે બધી જ ૬ જિલ્લા કોર્ટોના કામકાજ ખોરવાઈ જશે જેમાં પટિયાલા હાઉસ, રોહિણી, સાકેત, તીસ હઝારી, દ્વારકા અને કડકડડૂમા જિલ્લા કોર્ટો છે. ગઈકાલે તીસ હજારી કોર્ટના વકીલોએ જજના તોછડા વ્યવહારના વિરોધમાં હડતાળ પાડી હતી. એ હડતાળને અન્ય જિલ્લા કોર્ટોમાં આજે લંબાવાઈ છે. કમિટીએ સર્વસંમતિથી ઠરાવ કરી ૧૩મી ઓક્ટોબરે સંપૂર્ણ હડતાળનું એલાન કર્યું છે. હડતાળનો ઉદ્દેશ્ય છે કે, ન્યાયિક વહીવટનું ધ્યાન ખેંચવામાં આવે જેથી જજો સામે પગલાં લેવામાં આવે. જેથી જજો વકીલોનો પણ સન્માન જાળવે અને એમને પોતાના તાબાહેઠળના કર્મચારી તરીકે નહીં ગણે.