આજે દેશમાં ભયનો માહોલ, નેતાઓ વામણા, એક વ્યક્તિથી દેશ ના ચાલી શકે : ડો. સામ પિત્રોડા

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૮
“આજે દેશ પડકારોનો સામનો કરી રહ્યો છે. લોકશાહીનું વસ્ત્રાહરણ, અપૂરતી આઝાદી અને સંસ્થાઓ ઉપર કબજો. જેના કારણે દેશના નાગરિકો પોતાના વિચારો સ્વતંત્રતાથી રજૂ કરી શકતા નથી. દેશમાં ભયનો માહોલ છે. આજના નેતાઓ વામણા છે. એક વ્યક્તિની દેશના ચાલી શકે આજે ધમકી અને નફરતને તિલાંજલી આપી ગાંધીવાદી વિચારધારાને અપનાવવી જરૂરી છે” એમ વિશ્વ વિખ્યાત ટેકનોકેટ અને ભારતમાં દૂરસંચાર ક્રાંતિના પ્રણેતા ડો.સામ પિત્રોડાએ આજે ગૂજરાત વિદ્યાપીઠના ૬૪મા પદવીદાન સમારોહમાં જણાવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ડો.અનામિક શાહે વર્ષ દરમિયાનની ગૂજરાત વિદ્યાપીઠની કામગીરી અંગેની રૂપરેખા આપી હતી તથા ડો.સામ પિત્રોડાનો ટૂંકો પરિચય આપ્યો હતો. ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા ડો.સામ પિત્રોડાને ખાદી અર્પણવિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ દરમિયાન ઔપચારિક શિક્ષણમાં સફળતા મેળવેલા વિદ્યાર્થીમાં પીએચડીના ર૯, એમ.ફીલના ૩૦, અનુસ્નાતકના ૩૭૪, સ્નાતકના ર૯૯ અને અનુસ્નાતક ડિપ્લોમાના પ૩ વિદ્યાર્થીઓને અને ૩૯ વિદ્યાર્થીઓને કુલપતિ ઈલાબેન ભટ્ટના હસ્તે ૬૧ પારિતોષિક આપવામાં આવ્યા હતા પદવીદાન સમારંભમાં ઉપસ્થિત મહેમાન એવા ડો.સામ પિત્રોડાએ પોતાના જીવનમાં ગાંધીવાદી વિચારસરણીને કેવી રીતે જાળવી રાખી છે તે વિશે માહિતી આપી. તેઓ બાળપણથી જ ગાંધીજીના વિચારોને પોતાના જીવનમાં ઉતારતા આવ્યા છે અને આ વિચારોનું ગ્રહણ બધા લોકોએ કરવું જોઈએ તેવી તેમણે હાકલ કરી હતી. ગાંધીજીએ એક ચપટી મીઠું ઉપાડી આખા દેશની પ્રજાને જગાડી પોતાની ચમત્કારિક શક્તિની ઝાંખી કરવી હતી. જે આજના નેતાઓમાં જોવા મળતી નથી. ડો. સામ પિત્રોડાએ જણાવેલું કે આઝાદીના ૭૦ વર્ષ પછી પણ ગરીબીમાં ઘટાડો થયો નથી. જેનું મને ખૂબ જ દુઃખ છે. આજે જો દેશમાં ખરેખર સાચી લોકશાહી સ્થાપવી હોય તો ગાંધીવાદી વિચારોની આવશ્યકતા છે. દેશ નિર્માણમાં પ્રેમ, કરૂણા અને ભાઈચારાની જરૂર છે. માત્ર એક વ્યક્તિ કોઈ દિવસ દેશને બદલી શકતો નથી. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ઈલાબેન ભટ્ટે પોતાના પ્રવચનમાં સમૃદ્ધિ વિશે સમજાવી જણાવ્યું કે હિંસા દ્વારા પ્રાપ્ત કરેલી સંપત્તિ એ સમૃદ્ધિ ન ગણાય, પરંતુ હંમેશા ગાંધીવાદી વિચારધારાની જેમ અહિંસાના માર્ગે ચાલીને જ સમૃદ્ધિ મેળવવી જોઈએ. ગરીબીમાંથી સમૃદ્ધિ તરફ જઈએ છીએ ત્યારે જ સમૃદ્ધિની કિંમત સમજાય છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks