પાટણ,તા.૧૧
નવસર્જન ગુજરાતના સૂત્ર સાથે ગુજરાતમાં સત્તા પલ્ટા માટે કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારના જનવિરોધી પગલાઓને લઈ લોકજુવાળ ઉભો કરવામાં આવી રહ્યો છે જેને પ્રાણ પુરવા અને ભાજપ સરકાર વિરુધ્ધ આહલેક જગાવવા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તા.૧ર-૧૧-૧૭ને રવિવાર તથા તા.૧૩-૧૧-૧૭ને સોમવારે પાટણ જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે તેઓના કાર્યક્રમની રૂપરેખા આપવા આજે પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી પાટણ ખાતે મોડી સાંજે જાહેરસભા સંબોધવાના છે. તેમજ રાત્રી રોકાણ પણ કરનાર હોઈ પોલીસ દ્વારા સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્તર ગુજરાતના પ્રવાસના બીજા દિવસે તા.૧રને રવિવારે ટોટાણા ખાતે ઠાકોર ક્ષત્રિય સમાજના ધર્મગુરૂ સદારામ બાપુના આશ્રમની મુલાકાત લઈ પાટણ જિલ્લા બે દિવસીય પ્રવાસની શરૂઆત કરશે. વચ્ચે આવતા ગામોમાં લોકોનું અભિવાદન ઝીલી રોડા ચાર રસ્તા આવી પહોંચશે જયાં ગાંધી આશ્રમના બાળકો અને પાંચ હજારથી વધુ લોકો અભિવાદન કરશે. સાંજના ૬-૩૦ કલાકે પાટણના કનસડા દરવાજે પ૦૦થી વધુ આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવશે. ત્યાંથી રેલી સ્વરૂપે પ્રગતિ મેદાનમાં પ૦ હજારથી વધુની જનમેદનીને સંબોધન કરશે અને રાત્રી રોકાણ પાટણ સર્કીટ હાઉસમાં કરશે. તા.૧૩ને સોમવારે બીજા દિવસે સવારે ૧૦-૦૦ કલાકે દલિત સમાજના ઐતિહાસિક સ્મારક અને ટેકરીની મુલાકાત લઈ દલિત સમાજના આગેવાનો સાથે ખાસ બેઠક કરશે જયાં રાહુલ ગાંધીનું સન્માન કરવામાં આવશે. ત્યાર બાદ પાટણ શહેરના તબીબો, વકીલો, વિવિધ સમાજના આગેવાનો અને પ્રબુધ્ધ નાગરિકો સાથે ગોષ્ઠિ કરશે. પાટણથી હારીજ, સમી જવા પ્રયાણ કરશે. વચ્ચે વાદી વસાહતમાં વાદી સમાજના લોકો સાથે ખાટલા પરિષદ યોજી વરાણા તથા શંખેશ્વર ખાતે જૈન સમાજના મંદિરના દર્શન કરી બહુચરાજીમાં જાહેર સભાને સંબોધવા રવાના થશે.રાહુલ ગાંધીના એસ.પી.જી. કમાન્ડો તથા પોલીસ દ્વારા સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે.