નડિયાદ, તા.૩
માતર તાલુકાના માલાવાડા નજીક વસઈ ગામની સીમમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીના પિતાની હત્યા કરતા જે બનાવનો કેસ નડિયાદ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં ચાલી જતા ન્યાયધીશે આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી.
બનાવની વિગત અનુસાર આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના મધરોલ ગામમાં રહેતા અનિલકુમાર ભુપેન્દ્રભાઈ પટેલ (ઉં.વ.૩૦)ના મોટાભાગના પરિવારના સભ્યો વિદેશમાં હોઈ તે નાનું મોટું કામ કરી જિંદગી ગુજારતો હતો. ગામમાં રહેતા હર્ષદ ઈશ્વરભાઈ પંચાલની ધો.૧રમાં ભણતી પુત્રી હિના તેના મનમાં વસી ગઈ હતી. જેને વશ કરવા અનેક પ્રયત્નો કર્યા હતા પરંતુ હિના તેનાથી દૂર રહેતી હતી. આ અંગેની જાણ હિનાના પિતાને થતા તેમણે અનિલને ઠપકો આપ્યો હતો. જે.એસ.ગર્લ્સ હાઈસ્કૂલ સોજિત્રામાં અભ્યાસ કરતી હિનાને ટ્યુશનની જરૂરિયાત જણાતા તેના પિતાએ સોજિત્રામાં જ ટ્યુશન બંધાવ્યું હતું. ટ્યુશનના પ્રથમ દિવસે તા.ર૩/૬/૧૬ના રોજ શાળા પતાવ્યા બાદ હિના ટ્યુશને ગઈ હતી. સાંજે ૬નો સમય થઈ જતા તેના પિતા બાઈક લઈ પોતાના ૧૧ વર્ષીય ભત્રીજા નિર્મલને બેસાડી સોજિત્રા ગયા હતા. ત્યાંથી હિનાને બેસાડી પરત પોતાના ગામ આવતા હતા. જે દરમ્યાન વસઈ ગામની સીમમાં ઈંટોના ભઠ્ઠા પાસે આવ્યા ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવેલા અનિલે હર્ષદભાઈને બાઈક રોકવા બૂમ પાડી હતી. જો કે તેમણે રોકી ન હતી. જેથી અનિલે ચાલુ બાઈકે લાત મારતા હર્ષદભાઈ નીચે પડી ગયા હતા. જે વેળા અનિલ હાથમાં છરો લઈ તેમની પાસે આવ્યો હતો અને તેમને કહ્યું હતું કે મારે હિનાને લઈ જવી છે. તમે કેમ મળવા દેતા નથી કહી પેટના, ગળાના ભાગે છરાના ઉપરાછાપરી ઘા માર્યા હતા. પિતા પર હુમલો થતા હિના છોડાવવા વચ્ચે પડી હતી. તેને પણ નવ ઘા મારી દીધા હતા અને અનિલ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ઈજાગ્રસ્ત પિતા-પુત્રીને ૧૦૮ દ્વારા કરમચંદ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં હર્ષદભાઈનું મોત નિપજ્યું હતું આ બનાવ અંગે લિંબાસી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
આ બનાવનો કેસ આજ રોજ નડિયાદ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા ન્યાયધીશ એલ.એસ. પીરઝાદાએ આરોપી અનિલ ભુપેન્દ્રભાઈ પટેલને કસુરવાર ઠેરાતા આજીવન કેદનો દંડ ફટકાર્યો હતો.