ભાવનગર, તા.રપ
ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર માટે બહુ મહત્ત્વાકાંક્ષી ગણાતી ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસનું લોકાર્પણ ગત તા. રરમીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. હવે આવતી કાલથી પેસેન્જર ફેરી સર્વિસનો વિધિવત પ્રારંભ થઈ રહ્યો છે. પ્રારંભિક તબક્કે તા.ર૬થી રેગ્યુલર બે ટ્રીપ ચાલુ થશે. આ અંગે ઈન્ડીગો કંપનીના અધિકારી અંકિત જાનીએ માહિતી આપી હતી કે ઘોઘા-દહેજ વચ્ચે પેસેન્જર ફેરી સર્વિસનો વિધિવત પ્રારંભ આવતીકાલે તા.ર૬થી થઈ રહ્યો છે. જેમાં ઘોઘાથી સવારે ૧૧ અને સાંજે પ કલાકે અને જ્યારે દહેજ ગામેથી સવારે ૯ અને બપોરે ૩ કલાકે પેસેન્જર શીપ ચાલશે જેનું ભાડુ હાલના તબક્કે રૂા. પ૦૦ નક્કી કરાયું છે. ફેરી સર્વિસની ટિકિટ કંપનીની વેબસાઈટ ઉપર ઓનલાઈન તેમજ સ્થળ ઉપરથી પણ મળી શકશે. હાલમાં મુસાફરોએ ભાવનગરથી ઘોઘા સુધી અને દહેજથી તેમના નિયત સ્થળ સુધી પોતાની રીતે વાહનમાં પહોંચવાનું રહેશે. આ કંપની દ્વારા માત્ર ઘોઘાથી દહેજ સુધી જ મુસાફરોને લાવવા લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે.