અકબર મોબ લિંચિંગ : હત્યાના વિરોધમાં મેવ સમાજ વિરોધ નોંધાવશે, હરિયાણામાં રાજકીય ભૂકંપ

(એજન્સી)
જયપુર, તા.ર૩
રાજસ્થાનના અલવરમાં અકબરની ભીડ દ્વારા હત્યાના વિરોધમાં મેવ સમાજના લોકો વિરોધ પ્રદર્શન કરશે. આ મુદ્દે રવિવારે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેવ સમાજ તેમજ એસસી અને એસટી સમાજના અનેક પદાધિકારીઓએ ભાગ લીધો હતો.
આ બેઠકમાં સૌએ મળીને પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવાનો નિર્ણય લીધો. સાથે રાજસ્થાન અને હરિયાણાની સીમા પર એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન કરવા અંગે સૌ સંમત થયા. મેવ સમાજના નેતા શેર મોહંમદે આ મુદ્દે પોલીસ પર પ્રશ્નો ઊભા કરતાં કહ્યું કે, આખરે પોલીસ ઘાયલને ૪ કલાક સુધી ક્યાં લઈને ફરતી રહી. એવું તો શું થયું કે ઘાયલને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ પહોંચાડવામાં ન આવ્યો. સમયસર હોસ્પિટલ ન પહોંચવાના કારણે અકબરનું મૃત્યુ થયું છે.
આ સમગ્ર મુદ્દે પોલીસની બેદરકારી સામે આવી છે. જો આ મુદ્દે તંત્ર કોઈ પગલાં નહીં લે તો જિલ્લા કલેક્ટર અને અન્ય જવાબદાર અધિકારીઓને આવેદનપત્ર સોંપી ઘેરાવ કરવામાં આવશે.

અલવર હત્યાની ઘટના પછી સામાજિક કાર્યકરે રાજસ્થાન સરકાર વિરૂદ્ધ પગલાં લેવાની માંગ કરી

(એજન્સી) તા.ર૩
રાજસ્થાનમાં અલવરમાં ગૌતસ્કરીની શંકાથી થયેલી એક નિર્દોષ યુવકની હત્યાના કારણે સમગ્ર દેશમાં જનાક્રોશ છે. ત્યારે સામાજિક કાર્યકર તહસીન પૂનાવાલાએ ટોળા દ્વારા વારંવાર થતી હત્યાઓ રોકવામાં નિષ્ફળ જવા બદલ વસુંધરા રાજે સરકાર વિરૂદ્ધ પગલાં લેવાની માગણી કરી હતી. આ મુદ્દા પર તેમણે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. જેના પર સુનાવણી કરવા માટે સુપ્રીમ કોર્ટ સમંત થઈ છે. ર૦ ઓગસ્ટના દિવસે સુપ્રીમ કોર્ટની બેંચ પૂનાવાલાની અરજીની સાથે ટોળા દ્વારા થયેલી હત્યાના અન્ય કેસો વિશે પણ સુનાવણી કરશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ટોળા દ્વારા થતી હત્યા પર જુદો કાયદો બનાવવા માટે કહ્યું હતું. ભારતના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાએ ટોળા દ્વારા થતી હત્યાની ઘટનાઓને ટોળાશાહીને ભયાનક કૃત્ય ગણાવ્યું હતું. પૂનાવાલાએ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે ટોળા દ્વારા થતી હત્યાની ઘટનાઓથી નાગરિકોને બચાવવા માટે રાજ્યોને નિર્દેશ આપ્યો હોવા છતાં અલવરમાં ફરીથી આ પ્રકારની ઘટના બની હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks