નવી દિલ્હી, તા. ૫
૨૦૧૯ની મહત્ત્વપૂર્ણ લોકસભા ચૂંટણી માટે વિપક્ષને એક કરવાની તૈયારીમાં લાગેલા રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુપ્રસાદ યાદવે આજે સંકેત આપ્યા હતા કે, ઉત્તરપ્રદેશમાં એકબીજાના કટ્ટર વિરોધી અખિલેશ યાદવ અને માયાવતી એક સાથે આવે તેવી પ્રબળ સંભાવના છે અને તેવું શક્ય બનશે તો ૨૦૧૯માં મેચ ઓવર કરી દઇશું. લાલુપ્રસાદે પટનામાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, એવી પ્રબળ સંભાવના છે કે, ચૂંટણી પહેલાં માયાવતી અને અખિલેશ યાદવ સાથે આવે અને જો એમ બનશે તો સમજી લો કે, મેચ ઓવર. ગઠબંધનની તરફેણ કરતા લાલુપ્રસાદે એ વાતે ભાર મુક્યો હતો કે, ૨૦૧૪માં આ લોકોની ભૂલને કારણે જ કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર બની હતી. લાલુ અનુસાર તેઓ આ વખતે આવું ઇચ્છતા નથી. તેમણે જણાવ્યું કે, તમામ સમાન વિચારધારાવાળા પક્ષો એક સાથે આવવા જોઇએ અને ભાજપને સત્તામાંથી ઉખેડી ફેંકવો જોઇએ.
લાલુપ્રસાદની પાર્ટી ૨૭મી ઓગસ્ટે ભાજપ બચાવો, દેશ બચાવો રેલીનું આયોજન કરવા જઇ રહી છે જેમાં કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી, ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, ડાબેરી પક્ષો, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક, પૂર્વ વડાપ્રધાન અને જનતા દળના નેતા એચડી દેવગૌડા અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ તથા માયાવતી સામેલ થાય તેવી સંભાવના છે. લાલુ યાદવે દેશની વર્તમાન સ્થિતિની ચર્ચા કરતા જણાવ્યું કે, દેશમાં હાલ અઘોષિત કટોકટીની સ્થિતિ છે. તેમણે કહ્યું કે, હાલની સરકાર રોબર્ટ વાડ્રા, પ્રિયંકા. અરવિંદ કેજરીવાલ, મમતા દીદી અથવા લાલુ યાદવ અને તેમના પરિવારને તોડવાના પ્રયાસમાં જોડાઇ છે કેમ કે, આ જાણે છે કે, જો આ લોકો એક થઇ જશે તો ભાજપનું નામોનિશાન મટી જશે. લાલુએ નરેન્દ્ર મોદી સરકાર પર આરોપ લગાવ્યો હતો કે, તેમણે ૨૦૧૪માં દેશની જનતાને જુઠ્ઠા વાયદા કર્યા હતા કે, લોકોને રોજગાર મળશે, પરંતુ ત્રણ વર્ષમાં કોઇને પણ નોકરી નથી મળી. આવંુ એ માટે થાય છે કારણ કે, ધર્મનિરપેક્ષ શક્તિઓ વહેંચાયેલી હતી. દેશમાં ગાયના નામે નફરત અને ભય ફેલાવવામાં આવી રહ્યો છે જ્યારે ખેડૂત ઉપજની કિંમત ન મળતા નિરાશ થઇને આત્મહત્યા કરી રહ્યો છે. રાષ્ટ્રપતિ ચૂંટણી અંગે લાલુપ્રસાદ યાદવે જણાવ્યું હતું કે, તેઓ સિદ્ધાંતો સાથે સમજૂતી નહીં કરે. જો કોંગ્રેસે પણ એનડીએના રાષ્ટ્રપતિના ઉમેદવારનું સમર્થન કર્યું હોત તેમ છતાં તેઓ એનડીએના ઉમેદવારને સમર્થન કરવાના મૂડમાં નહોતાં. ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં અખિલેશ યાદવ અને માયાવતીના મુખ્ય બે પક્ષો પણ ભાજપની પ્રચંડ બહુમતી સામે ધોવાઇ ગયા હતા. જ્યારે બિહારમાં રાજદ, જેડીયુ અને કોેંગ્રેસના ગઠબંધનને કારણે નરેન્દ્ર મોદીની લહેરને જોરદાર ફટકો પડ્યો હતો.