(એજન્સી) લખનૌ, તા.ર૩
મોબ લિંચિંગ મુદ્દે રવિવારે સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે ભાજપ સરકાર પર હુમલો બોલતા રાજસ્થાનના અલવર જિલ્લામાં ભીડ દ્વારા થયેલ હત્યાની નિંદા કરી હતી. તેમણે ટ્વીટર પર લખ્યું કે, ભીડતંત્ર ફરી અલવરમાં અકબરની હત્યા કરી ગયું.
અખિલેશ યાદવે નાગરિક ઉડ્ડયનમંત્રી જયંત સિંહા સહિત રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેને પણ આડકતરી રીતે કઠેરામાં ઊભા કરતા કહ્યું કે, સત્તાધારી ફરી એકવાર દોષિતો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરાશે જેવા પોકળ દાવા કરી ફરી હિંસક લોકોને પુરસ્કૃત કરશે અને માળા પહેરાવી અભિવાદન કરશે અને આવી ઘટનાઓ પર મૌન સાધનારાઓનું મૌન વધુ ઘૂંટાતું જશે. અખિલેશ યાદવે આ નિવેદન શુક્રવારે મોડી રાત્રે અલવર જિલ્લામાં ભીડ દ્વારા કરવામાં આવેલ હિંસાના સંદર્ભે આપ્યું હતું. રાજસ્થાનમાં આ પહેલાં પણ આ પ્રકારની અનેક ઘટનાઓ બની ચૂકી છે. ઉલ્લેખનીય છે કે, ઝારખંડમાં ગત વર્ષે મોહંમદ અલીમુદ્દીનની હત્યાના આરોપીઓને રાંચી હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ કેન્દ્રીય મંત્રી જયંત સિંહાએ તેમનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું.