(એજન્સી) લખનૌ,તા.૧૦
ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે યોગી સરકારની આલોચના કરતાં જણાવ્યું કે હવે અમને જણાવો કે ઉત્તરપ્રદેશમાં પોલીસ સ્ટેશનો કોણ ચલાવે છે. અમારા ઉપર આક્ષેપો મૂકાયા હતા કે અમે પોલીસ સ્ટેશનો ચલાવીએ છીએ. વડાપ્રધાને પણ કહ્યું હતું કે હવે અમે જાણવા માંગીએ છીએ કે ઉત્તરપ્રદેશમાં પોલીસ સ્ટેશનો કોણ ચલાવી રહ્યા છે. અખિલેશે યોગી સરકારની આલોચના કરતાં કહ્યું કે એમણે જિલ્લા પંચાયતોની ઓફિસોમાંથી સમાજવાદી પક્ષનું નામ જ ભૂંસી નાંખ્યું છે. પોલીસ પણ સરકારના દોરીસંચાર હેઠળ કાર્ય કરી જિલ્લા પંચાયતના સભ્યોને ખોટા ગુનાઓમાં સંડોવે છે. પહેલાં સમાજવાદી પક્ષની જિલ્લા પંચાયતો હતી. એમને હટાવવા માટે બધા પ્રયાસો કરાયા. એમના સભ્યો ઉપર ઈપીકોની ૩૦ર અને ૩૭૬ જેવી ગંભીર ગુનાઓની કલમો લગાવી ખોટા ગુનાઓ નોંધાયા છે. એમને ફસાવવામાં આવી રહ્યા છે. ડિઝિટલ ઈન્ડિયા મુદ્દે એમણે જણાવ્યું કે આ યોજના વડાપ્રધાન મોદીએ શરૂ કરી હતી. પણ ઉત્તરપ્રદેશ સિવાય કોઈપણ રાજ્યમાં ૧૦૦ નંબરની સુવિધા સફળ નથી પણ નવી સરકારે એને ધમરોળી નાંખી છે. ભારત છોડો આંદોલનની ૭પમી વરસી નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં એમણે કહ્યું અમારા બધાની ફરજ છે કે અમે સ્વતંત્રતાના મૂલ્યોની જાળવણી કરીએ. ૯મી ઓગસ્ટ ૧૯૪રના રોજ ગાંધીજીએ ભારત છોડોની હાકલ કરી હતી અને સમાજવાદીઓએ એમાં જોશભર ભાગ લીધો હતો. હવે નવી સરકારની જવાબદારી છે કે એ બાપુના સુરાજ્યના સ્વપ્નને પૂર્ણ કરે અને સ્વતંત્રતાના મૂલ્યોની જાળવણી કરે.