“એ આશ્ચર્યજનક છે કે તેઓ કેવી રીતે ઘૂંટણિયે પડી ગયા” ડોકલામ મુદ્દે રાહુલ ગાંધીના સુષ્મા સ્વરાજ પર આકરા પ્રહાર

(એજન્સી) નવી દિલ્હી, તા.૨
ગઈકાલે સુષ્મા સ્વરાજે લોકસભામાં ચીન સાથેના ડોકલામ વિવાદ અંગે પોતાનું જે નિવેદન આપ્યું હતું તેની પ્રતિક્રિયા સ્વરૂપે આજે રાહુલ ગાંધીએ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ પર આકરા પ્રહાર કર્યા હતાં. હકીકતમાં સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે, ચીન સાથેના ડોકલામ વિવાદને વ્યૂહાત્મક પરિપક્વતા સાથે ઉકેલી નાખવામાં આવ્યો છે. તેથી કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ બાબતનો હવાલો આપતાં ગુરુવારે એક ટ્‌વીટ કરી હતી કે, “એ ચોંકાવનારી બાબત છે કે, સુષ્મા સ્વરાજજી જેવી મહિલાએ ચીની તાકાતની સામે ઘૂંટણિયા ટેકવી દીધા. સરકારનું આ રીતે ચીન સામે ઘૂંટણિયે પડવું એ સરહદ પર તૈનાત જવાનો સાથે વિશ્વાસઘાત છે.”
સુષ્મા સ્વરાજે તૃણમૂલ કોંગ્રેસના સભ્ય સુગતા બોઝના પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું હતું કે, એપ્રિલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની વચ્ચે વુહાનમાં થયેલી અનૌપચારિક મુલાકાત દ્વારા ‘મોટી સિદ્ધિઓ’ પ્રાપ્ત થઈ છે. તેમણે કહ્યું કે, દક્ષિણ ચીન સાગરમાં ભારતની સ્પષ્ટ નીતિ છે કે, ત્યાં સ્વતંત્ર રીતે નૌકાવહનની પરવાનગી હોવી જોઈએ. જ્યાં સુધી ડોક્લામનો પ્રશ્ન છે, હું સંપૂર્ણ જવાબદારી સાથે કહું છું કે, તેને વ્યૂહાત્મક પરિપક્વતાથી ઉકેલી નાખવામાં આવ્યો છે. સેનાની આમને-સામનેવાળી જગ્યા પર હાલ યથાવત્‌ સ્થિતિ રહેલી છે અને અહીંયા એક ઇંચ જેટલો પણ ફેરફાર થયો નથી. બોઝે પૂછ્યું હતું કે, શું ચીની રાષ્ટ્રપતિની સાથે વાતચીત દરમિયાન મોદીએ ડોકલામ મુદ્દે ચર્ચા કરી હતી?
નોંધનીય છે કે, ગત વર્ષે ડોકલામમાં બંને દેશોની સેનાઓ ૭૩ દિવસો સુધી આમને-સામને રહી હતી, ત્યારબાદ બંને દેશોએ ઓગસ્ટમાં પોતાની સેનાને ત્યાંથી હટાવવાનો નિર્ણય કર્યો હતો. વધુમાં બોઝના પ્રશ્નનો જવાબ આપતાં સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે, વુહાનમાં દર્શાવવામાં આવેલી સહ્માંતીમાં ડોકલામની પરિસ્થિતિ વિશે પણ ચર્ચા થઈ છે. બંને નેતાઓએ પોતાની સશસ્ત્ર સેનાઓને સ્થાનિક સ્તરે ગેરસમજણ અને મતભેદ સમાપ્ત કરવાનો અને તેને આગળ નહિ વધારવાનો નિર્દેશ પણ આપ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks