અલ અક્સા મસ્જિદમાં નવા સીસીટીવી કેમેરાની ગોઠવણ વિરુદ્ધ દેખાવો સક્રિય

(એજન્સી) તા.ર૬
પૂર્વ જેરુસલેમ અને કબ્જા હેઠળના વેસ્ટ બેન્ક વિસ્તારમાં પેલેસ્ટીની નાગરિકોએ જોરદાર દેખાવો ચાલુ રાખ્યા છે. તેઓ ઇઝરાયેલી સરકાર દ્વારા પવિત્ર અલ અક્સા મસ્જિદમાં વધારાના નવા સીસીટીવી કેમરા ઇન્સ્ટોલ કર્યાનો વિરોધ કરી રહ્યા છે. આ માહિતી અલ જઝીરા ન્યૂઝ એજન્સીએ આપી હતી. જેરુસલેમ ખાતે એક પેલેસ્ટાઇની કાર્યકર્તા મોહમ્મદ અબુ અલ હોમ્માસે જણાવ્યું કે આ સમગ્ર મુદ્દો અલ અક્સા મસ્જિદ પર કબજો કરવાનો છે. જો તેઓ પેલેસ્ટાઇની સાથે સમાધાન કરવા માગતા નથી તો એનો અર્થ એમ થયો કે તેઓ આ કેમેરા લગાવીને મસ્જિદને તાબા હેઠળ કરવા માગે છે અને તેનો ઐતિહાસિક દરજ્જો છીનવી પેલેસ્ટીનીઓને તેમના અધિકારો છીનવવા માગે છે. હું મસ્જિદમાં જવા માગું છુું પરંતુ અમે આ માપદંડોને ક્યારેય નહીં સ્વીકારીએ. આ અમારો અધિકાર છે કે અમે આ માપદંડોને ફગાવી દઇએ એમ તેમણે ઉમેર્યુ હતું. સોમવારે કેબિનેટની એક બેઠક બાદ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ પુષ્ટિ કરી હતી કે દરેક સિક્યોરિટી સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી ભલામણોનો અમે સ્વીકાર કરીએ છીએ. તેમણે કહ્યું કે અમારી યોજના આગામી છ મહિનામાં લાગુ થશે. તેના માટે અમે ૧૦૦ મિલિયન શેકેલ્સનું ફંડ ફાળવ્યું છે. અમને એવા અનેક સૂચનો મળ્યા છે જે પ્રમાણે મેટલ ડિટેક્ટર અને સીસીટીવી કેમેરાને બદલે એવી થર્મલ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવશે જેની મદદથી ચહેરાની ઓળખ અને હથિયારો પકડવામાં સરળતા રહેશે. મેટલ ડિટેક્ટર હટાવી લેવા છતાં વિદ્વાનો અને વકીલો કહે છે કે સીસીટીવી કેમેરા જેવી વ્યવસ્થા પેલેસ્ટાઇની નાગરિકો માટે ઘાતક સાબિત થશે. આ વધુ એક આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ છે. આ કેમેરા દરેક વ્યક્તિની ઓળખ અને ચહેરા પકડી પાડે છે. એનો અર્થ એમ થયો કે ઇઝરાયેલ અલ હરમ અલ શરીફ પર સંપૂર્ણપણે કબજો કરવા માગે છે. જોર્ડનને પણ આ મામલે એકતરફ હડસેલી દેવાયું છે. આ માહિતી રામાલ્લાહના એક રાજકીય વિદ્વાન ખલીલ શાહીને આપી હતી. ઘણા ખરા પેલેસ્ટીનીઓએ જેરુસલેમમાં ઇઝરાયેલને ટેક્સ ચૂકવવા ઇનકાર કરી દીધો છે. અને ઘણા ખરા એવા છે જે મંજૂરી વિના અલ અક્સા મસ્જિદે નમાઝ પઢવા આવે છે. તેમાં કાર્યકર્તાઓ અને સામાન્ય નાગરિકો પણ સામેલ છે. ઇઝરાયેલ આવા લોકોને જાણી જશે તો ખતરો ઊભો થશે. તે પેલેસ્ટીની નાગરિકોને નુકસાન પહોંચાડશે. આ સર્વેલન્સ કરવાની નવી રણનીતિ છે. પેલેસ્ટાઇની નાગરિકોએ એવા માપદંડો ફગાવી જ દેવા જોઇએ કેમ કે આ કેમેરા તેમના માટે ઘાતક સાબિત થઇ શકે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks