Ahmedabad

સૌરાષ્ટ્રના એરપોર્ટ બે દિવસ માટે બંધ એસટી બસના સ્ટાફને એલર્ટ રહેવા સૂચના

અમદાવાદ, તા.૧૨
સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં વાયુ વાવાઝોડુ ત્રાટકવાની દહેશત અને આજે તેની આગોતરી અસરને પગલે દોડતા થયેલા સરકારી તંત્ર અને એરપોર્ટ ઓથોરીટી દ્વારા સૌરાષ્ટ્રના તમામ એરપોર્ટ બે દિવસ પૂરતા બંધ રાખવાનો બહુ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને પગલે સૌરાષ્ટ્રના જામનગર, દીવ, કંડલા, પોરબંદર, રાજકોટ સહિતના એરપોર્ટ બે દિવસ માટે હવે બંધ રહશે. વાયુ વાવાઝોડાની અસરને પગલે સુરક્ષાને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રમાં આવેલા એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત અમદાવાદ મુંબઈ વચ્ચેની કેટલીક ફ્‌લાઇટો પણ રદ્દ કરવામાં આવી છે. બુધવારે ફ્‌લાઇટો રદ કરવાને મામલે એરપોર્ટ ઓથોરિટી અને હવામાન વિભાગ વચ્ચે એક બેઠક મળી હતી. જે બાદમાં ફ્‌લાઇટો રદ કરવાને લઈને અંતિમ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સાથે જ સૌરાષ્ટ્રના અનેક માર્કેટીંગ યાર્ડો પણ બે દિવસ માટે બંધ રાખવામાં આવશે. રાજકોટ અને ગોંડલ દ્વારા સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. બીજીબાજુ, એસટી કર્મચારીઓની રજા પણ રદ્દ કરવામાં આવી છે. સંભવિત વાવાઝોડાને લઈને સૌરાષ્ટ્રના જામનગર, દીવ, કંડલા, પોરબંદર, રાજકોટ સહિતના એરપોર્ટને બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત સુરત એરપોર્ટ પર આવતી ફ્‌લાઇટોને અમદાવાદ અને મુંબઈમાં ડાયવર્ટ કરવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.સંભવિત વાવાઝોડા પગલે રાજકોટ અને ગોંડલના માર્કેટિગ યાર્ડ દ્વારા બે દિવસની રજા રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ સૌરાષ્ટ્રના અન્ય માર્કટિંગ યાર્ડ પણ બંધ રાખવાની કડક તાકીદ કરાઇ છે. વાયુ વાવાઝોડાને પગલે એસટી તંત્રને પણ એલર્ટ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે એસટીના તમામ કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે. દરિયાકાંઠા સહિત તમામ ૧૨૫ ડેપો પર ડ્રાઇવર કંડક્ટર સ્ટાફને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. તમામ ડેપો પર વધારાની ૨૫-૨૫ બસો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. એસ.ટી. નિગમના કંટ્રોલ રૂમ પરથી તમામ ગતિવિધિઓની દેખરેખ રાખવામાં આવી રહી છે. એસટીની ૮,૩૦૦ બસોનું જીપીએસથી લાઈવ મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. ૧૬ ડિવિઝનના કમાન્ડ કંટ્રોલથી સીસીટીવીથી લાઈવ મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર તરફની ૧૦૦થી વધુ એસ.ટી. બસ સેવા બંધ કરાઈ છે. વાવાઝોડાથી કોઈ અફત સર્જાય તો અસરગ્રસ્તોને બસ દ્વારા રાહત કેન્દ્ર સુધી પહોંચાડવાની સૂચના આપવામાં આવી છે. વાવાઝોડાથી અસરગ્રસ્તોને રાહત સામગ્રી પહોંચાડવા માટે પણ બસોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. કચ્છથી સૌરાષ્ટ્ર સુધીના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી છેલ્લા બે દિવસમાં અઢી લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે.