(એજન્સી)
થિરૂવનંતપુરમ, તા. ૧૫
કેરળમાં પવિત્ર રમઝાન માસના અંતને મનાવવાના ભાગરૂપે ઇદ- ઉલ-ફિત્રની નમાઝ અદા કરાઇ હતી. આ પહેલા દિલ્હીની શાહી જામા મસ્જિદના ઇમામ અહમદ બુખારીએ જણાવ્યું હતું કે, ઇદનો ચાંદ ન દેખાયો હોવાથી સમગ્ર દેશમાં શનિવારે ઇદની ઉજવણી કરવામાં આવશે. જોકે, ચંદ્રશેખરન નાયર સ્ટેડિયમમાં સેંકડો લોકોએ ઇદની નમાઝ અદા કરી હતી. નમાઝીઓ સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને થિરૂવનંતપુરમના સાંસદ શશી થરૂર પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે રમઝાન પછી ઇસ્લામિક કેલેન્ડર અનુસાર ૧૦મા મહિના શવ્વાલનો પ્રથમ દિવસ શાંતિ અને ભાઇચારા માટે ઉજવાય છે. કેરળના કોચિમાં સુપરસ્ટાર મમૂટી અને તેમના અભિનેતા પુત્ર દુલકર સલમાન પણ સ્થાનિકો સાથે નમાઝ દરમિયાન ઉભા રહ્યા હતા. રાજ્ય સરકારે શુક્રવારે રજાનો દિવસ જાહેર કર્યો હતો.
શુક્રવારે આ દેશોમાં ઈદની ઉજવણી થઈ
(એજન્સી)હૈદરાબાદ,તા.૧૫
દેશમાં ક્યાંય ચાંદ ન દેખાતા ભારત અને પાકિસ્તાનમાં આજે ઈદ મનાવવામાં આવશે. દિલ્હીના જામા મસ્જિદની મરકઝી રુયતે હિલાલ કમિટીની બેઠક બાદ આ ઘોષણા કરવામાં આવી કે દેશમાં ક્યાંય પણ ચાંદ નજર નથી આવ્યો તેથી શનિવારે ઈદ માનવવામાં આવશે. ઈદ ઉલ ફિત્ર સાઉદી અરબ સહિત આશરે બધા ખાડીના દેશોમાં ગઈકાલે મનાવવામાં આવી રહી હતી. ગુરુવારે સાંજે ૩.૪૩ વાગે ચાંદ દેખાયા બાદ યૂએઇની ચાંદ કમિટીએ આ વાતનો આધિકારીક રીતે એલાન કર્યો હતો. સમિતીએ પોતાના આધિકારીક નિવેદનમાં જણાવ્યું કે, શુક્રવારનો દિવસ શવ્વાલ મહિના નો પ્રથમ દિવસ હશે અને એ જ દિવસે ઈદની ઉજવણી કરવામાં આવશે. ઇન્ડોનેશિયા, કુવૈત બેહરિન , સિંગાપુર, મલેશિયા, યુરોપના બધા દેશોએ ઇદની ઉજવણી ગઈકાલે કરી હતી. જયારે ભારતમાં પણ દક્ષિણ રાજ્યોમાં ઈદની ઉજવણી શુક્રવારે કરવામાં આવી હતી. જેમાં કેરળ, મૅગ્લોર, ભટકલ, ઉડીપી, કોઝીકોડે વગેરે રાજ્યોમાં શુક્રવારે ઇદની ઉજવણી કરાઈ હતી.