
પાટણ, તા.૪
રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આજે રાધનપુર ખાતે ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરો સાથે ધરણા કર્યા હતા અને એવી ચીમકી ઉચ્ચારી હતી કે, ભાજપ સરકાર આ ત્રણે તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં નહીં આવે તો ઢોર-ઢાંખર સાથે ગાંધીનગર કૂચ કરવામાં આવશે અને આશ્ચર્યજનક કાર્યક્રમો કરવામાં આવશે. મોડી સાંજે રાધનપુર હાઈવે ચક્કાજામ કરતા અલ્પેશ ઠાકોર સહિત કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
ધરણા દરમ્યાન અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, રાધનપુરમાં આજે પણ પીવાના પાણીની તકલીફ છે. છતાં અછતગ્રસ્ત જાહેર કરતી નથી. ભાજપ સરકાર પાટણ અને બનાસકાંઠા જિલ્લાને અન્યાય કરી રહી છે. પાટણને સંપૂર્ણ અછતગ્રસ્ત જિલ્લો જાહેર કરવામાં આવે, કેબિનેટમંત્રી જ્યાંથી ચૂંટાયા છે તે ચાણસ્મા તાલુકાને જ અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. જે ભાજપ સરકારે માત્ર રાજકીય લાભ ખાટવા જ કરી અન્ય તાલુકાઓને હળહળતો અન્યાય સમાન છે. પાટણ જિલ્લાના રાધનપુર, સમી સહિત અન્ય તાલુકાઓમાં પણ પુરતો વરસાદ પડ્યો નથી. ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતોના વાવેલા પાક નિષ્ફળ ગયા છે. ગામ તળાવો પાણીના અભાવે ખાલી છે. નાના ખેડૂતો ખેતમજૂરી માટે સૌરાષ્ટ્ર ભણી હિજરત કરવા મજબૂર બન્યા છે.
ધરણા કાર્યક્રમ દરમ્યાન અલ્પેશ ઠાકોરે ગામડાઓને અછતગ્રસ્ત જાહેર કરવાની માગણી સાથે સરકારને ખુલ્લી ચીમકી આપી હતી. અલ્પેશે કહ્યું કે, સરકારમાં હિંમત હોય તો મારા વિસ્તારમાં કોઈ સરકારી કાર્યક્રમ કરી બતાવે.
ધરણાં કાર્યક્રમ ખાતે ખેડૂતોને સંબોધતા અલ્પેશ ઠાકોરે કહ્યું કે, આ નેતાઓમાં લાગણી જેવું જ કંઈ નથી. મારા મત વિસ્તારના લોકોને ખૂબ અન્યાય થયો છે. મારા મતવિસ્તારમાં લોકોને પીવાનું પાણી નથી મળતું. આ લોકોને મૂંગા ઢોર પર પણ દયા નથી આવતી.
અલ્પેશ ઠાકોરે વધુમાં કહ્યું હતું કે, આ કચ્છ, કાંકરેજ, સુઈગામ અને ચાણસ્માને અછતગ્રસ્ત જાહેર કર્યું તો રાધનપુરમાં ક્યાં આભ ફાટે એટલો વરસાદ પડ્યો છે તો જાહેરાત નથી કરવામાં આવતી.
સરકાર પર આકરા પ્રહાર કરતા અલ્પેશે કહ્યું ક,ે જો તમારામાં માનવતા જીવતી હોય તો રાધનપુરને તાત્કાલિક અછતગ્રસ્ત જાહેર કરજો, નહીં તો અહીંથી ટ્રેકટર, ગાડી પાઈપો લઈને ગાંધીનગર આવીશું. એકલા નહીં પરંતુ અમારા બાળકો અને ઢોરઢાખર સાથે આવીશું. જો હિંમત હોય તો મારી વિધાનસભા વિસ્તારમાં એક પણ સરકારી કાર્યક્રમ કરીને બતાવો. હવે પછી હું રાધનપુરમાં કોઈ સરકારી કાર્યક્રમ નહીં થવા દઉં. સરકારે એટલું સમજી લે, આ તમારી પેઢી નથી. જો ગેરરીતિ કરતા પકડાયા તો ખેર નથી. છ મહિનાથી હું બધાના હિસાબ લખું છું. આજથી હું શ્રીગણેશ કરી રહ્યો છું.
રાધનપુર પ્રાંત કચેરીએ સવારના નવથી સાંજના છ કલાક સુધીના આ ધરણા દરમ્યાન છેલ્લે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ખેડૂતો દ્વારા રાધનપુર-કંડલા હાઈવે પર ચક્કાજામ કર્યું હતું જેને લઈ વાહનોની લાંબી કતારો લાગી હતી. હાઈવે પર બેસી ગયેલ અલ્પેશ ઠાકોર સહિતનાં કાર્યકરોની મોડી સાંજે પોલીસે અટકાયત કરી હતી અને તેઓને સમી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.
આ પ્રતિક ઉપવાસ કાર્યક્રમમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની સાથે તાલુકા પ્રમુખ નલીન પટેલ, સાતલપુર પ્રમુખ મહેબુબ મલેક, રાધનપુર સીટી પ્રમુખ કાનજીભાઈ પરમાર, નગરપાલિકા પ્રમુખ કમુબેન, રાધનપુર તાલુકા પંચાયત પ્રમુખ લક્ષિગભાઈ, સાતલપુર તાલુકા પ્રમુખ પંચાયત કારોબારી ચેરમેન જાવેદ મલેક, રાધનપુર તાલુકા પંચાયતના સદસ્ય હાજી ઉસ્માન વોરા અને સાતલપુર અને રાધનપુર નગરપાલિકા અને રાધનપુર સમી અને વારાહી, સાતલપુર, રાધનપુર શહેરના ખેડૂતો જોડાયા હતા.