અમદાવાદ,તા. ર૩
ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલ ગાંધીની સૂચનાથી ૮ સચિવોની નિમણૂક કરવામાં આવી છે જેમાં પ્રથમવાર ચૂંટાયેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું કદ વધારી રાષ્ટ્રીય રાજકારણમાં તક આપવામાં આવી છે. તેમને બિહારના સચિવપદે નિયુક્તિ આપવામાં આવી છે. રાજ્યસભાના સાંસદ અને ભરૂચના પનોતા પુત્ર અહમદ પટેલની ખજાનચી પદે નિમણૂક બાદ ગુજરાતના ઓબીસી નેતાને તક આપવામાં આવી છે. દેશના રાજકારણમાં કોંગ્રેસના નેતાઓનું કદ વધી રહ્યું છે. રાહુલ ગાંધીનો ગુજરાતના નેતાઓ પર ભરોસો વધી રહ્યો છે. ઈન્દિરા ગાંધીના સમયથી કોંગ્રેસના વફાદાર નેતા અને ગુજરાતના પનોતાપુત્ર અહમદ પટેલ સાથે રાજીવ ગાંધી, સોનિયા ગાંધી બાદ રાહુલ ગાંધીએ પણ વિશ્વાસ મુકી તેમને ખજાનચી પદે નિમણૂક આપતા તેમનું રાષ્ટ્રીય સ્તરે સ્થાન વધુ ઉંચુ થયું છે. ત્યારે ગુજરાતના ઓબીસી નેતા અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને રાષ્ટ્રીય રાજકારણમાં તક આપી બિહારમાં સચિવ તરીકે નિમણૂક કરી બિહારમાં ઓબીસી ચહેરા તરીકે રજૂ કર્યા છે.રાહુલ ગાંધીની ગેરહાજરીમાં કોંગ્રેસના મહાસચિવ અશોક ગેહલોતએ જે નવા આઠ સચિવોના નામ જાહેર કર્યા છે.
તેમાં જમ્મુ કાશ્મીરના સચિવ તરીકે શકીલ અહમદ, ઉત્તરાખંડના રાજેશ ધમાની, પશ્ચિમ બંગાળના સચિવપદે બી.પી. સિંહ, મોહમ્મદ જાવેદ અને શરત રાઉત તથા મહારાષ્ટ્રના સચિવ તરીકે અલ્લા વામશી ચાંદ રેડ્ડી અને બીએમ સંદીપનો સમાવેશ થાય છેેે. આ ઉપરાંત રાય બરેલીના સદરના ધારાસભ્ય અદિતિસિંહને મહિલા કોંગ્રેસના મહાસચિવ બનાવવામાં આવ્યા છે.