આ સીરિયન જૂથને તુર્કી, રશિયા અને ઈજિપ્તના એવોર્ડ વિજેતાઓ સાથે સંયુક્ત રીતે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો
(એજન્સી) સ્ટોકહોમ, તા.ર૪
સ્વીડનના સ્ટોકહોમ ખાતે એવોર્ડ એનાયત કરવા માટેના સમારોહમાં સીરિયન નાગરિક સંરક્ષણ દળ તરીકે પણ ઓળખાતા આ વ્હાઈટ હેલ્મેટ્સ જૂથને સંયુક્ત રીતે ‘રાઈટ ટુ લાઈવ હુડ એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો. વૈકલ્પિક નોબલ પીસ પ્રાઈઝ તરીકે જાણીતા આ એવોર્ડ આ જૂથને તુર્કી, રશિયા અને ઈજિપ્તી એવોર્ડ વિજેતાઓ સાથે સંયુક્ત રીતે આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ એનાયત કરનાર સંસ્થા ધ રાઈટ ટુ લાઈવલી હુડ ફાઉન્ડેશને જણાવ્યું હતું કે આ એવોર્ડ વ્હાઈટ હેલ્મેટ નાગરિકોના બચાવમાં દાખવેલ અસાધારણ બહાદુરી અનુકંપા અને માનવીય કાર્યોમાં ભાગીદારી બદલ એનાયત કરવામાં આવ્યો છે. પોતાને બિનપક્ષી (તટસ્થ) માનવીય સંગઠન તરીકે ઓળખાવતા આ સ્વયંસેવી બચાવ જૂથની સ્થાપના સીરિયાના બળવાખોરોના કબજા હેઠળના ભાગોમાં હવાઈહુમલા અને તોપમારાને કારણે વધી રહેલ જાનહાનિના જવાબમાં કરવામાં આવી હતી. જીવન બચાવવું એ માનવતા બચાવવા સમાન છે એવા મંત્ર હેઠળ વ્હાઈટ હેલ્મેટસ સીરિયનોની મદદ કરવામાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. આ સીરિયનો એવા વ્યક્તિઓ છે કે જેઓ આડેધડ બોંબ હુમલાઓ કે અન્ય પ્રકારના હુમલાઓનો સામનો કરી રહ્યા છે. ર૦૧૩માં સ્થાપાયેલ આ જૂથના અનુસાર સમગ્ર સીરિયામાં અત્યારે તેના ર૬૦૦ સ્વયંસેવકો કાર્યરત છે જે હુમલા સ્થળે સૌ પ્રથમ દોડી જાય છે. આ સ્વયંસેવકો પૂર્ણ સમયના કાર્યકર્તાઓ છે અને તેમને દર મહિને ૧પ૦ ડોલરનું સ્દાઈપેન્ડ ચૂકવવામાં આવે છે. આ સ્વયંસેવકોએ ઘણા બધા જોખમી બચાવ કાર્યો હાથ ધર્યા હતા અને આ પૈકીના સૌથી પ્રસિદ્ધ પ્રયાસોમાં ૧૬ કલાકો સુધી કાટમાળ હેઠળ દટાઈ ગયેલા એક માસૂમ બાળકને બચાવી લેવા માટેના અભિયાનનો પણ સમાવેશ થાય છે. સીરિયાની સ્થિતિ વિશે બોલતા આ જૂથના વડા રાએદ સાલેહે એમઈઈ (મિડલ ઈસ્ટ આઈ)ને જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સમુદાય વર્તમાન કટોકટીના ઉકેલમાં જેટલો વધુ સમય વ્યતિત કરશે તેટલી જ સ્થિતિ આ યુદ્ધને કારણે વધુ કપરી બની જશે. ૧૯૮૦માં સ્થપાયેલ ‘રાઈટ ટુ લાઈવલી હુડ એવોર્ડ’નો હેતુ વૈશ્વિક સમસ્યાઓના મૂળ કારણ ના ઉદાહરણરૂપ ઉકેલો અને દીર્ઘદૃષ્ટિ પૂર્ણ ઉકેલો લાવવામાં હિંમતપૂર્વક પ્રદાન કરનાર વ્યક્તિઓ તથા સંગઠનોને બિરદાવવાને છે. આ એવોર્ડ વિજેતાને ૮૮૦૦૦ ડોલરનું રોકડ પારિતોષિક આપવામાં આવે છે અને ભૂતકાળમાં આ એવોર્ડ મેળવનારાઓમાં એડવર્ડ સ્નોડેન (વિકીલીકસવાળા) અને ધ ગાર્ડિયનના ભૂતપૂર્વ એડિટર અલાન રૂસબિજરનો સમાવેશ થાય છે.
વર્તમાન વર્ષે આ એવોર્ડ મેળવનારા અન્ય વિજેતાઓના પોતાના નિર્ભય ઈન્વેસ્ટીગેટીવ પત્રકારત્વ બદલ તુર્કીશ દૈનિક કમ હુર્નિયત ન્યૂઝપેપર માનવાધિકારોને દાયકાઓથી ઉત્તેજન આપવા બદલ રશિયન મહિલા સ્વેતલાના ગન્નુશ્કીના અને મહિલાવાદી અભ્યાસો હાથ ધરવા બદલ ઈજિપ્તી મહિલાવાદી કાર્યકરો મોઝવી હાસન અને નઝરાનો સમાવેશ થાય છે. આ એવોર્ડ મેળવવા માટે પ૦ દેશોમાંથી ૧રપથી વધુ દાવેદારી નોંધાયા બાદ આ દાવેદારોએ ચકાસણી કર્યા બાદ આ એવોર્ડ માટે સીરિયન જૂથની પસંદગી કરવામાં આવી હતી. સ્વીડીશ પારિતોષિક જીતનાર વ્હાઈટ હેલ્મેટ પ્રથમ સીરિયન સંસ્થા બની હતી.
આ એવોર્ડ સ્વીકારવા માટે એપ્રિલ મહિનામાં સાલેહ તુર્કીથી અમેરિકા જઈ રહ્યા હતા ત્યારે અમેરિકામાં એમ કહીને તેમને પ્રવેશ આપવાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો કે તેમના વિઝા રદ કરી દેવામાં આવ્યા છે. આ ઘટના બાદ તેમણે ધ ન્યૂયોર્ક ટાઈમ્સને જણાવ્યું હતું કે કોઈપણ એરપોર્ટ પર અમને સીરિયનોને શકમંદો તરીકે જોવામાં આવે છે. અમેરિકી સરકારની અમેરિકી સહાય પાંખે ર૦૧૩ બાદથી આ જૂથને ર૦ મિલિયન ડોલરની તથા બ્રિટનના વિદેશ મંત્રાલય તરફથી ડિસેમ્બર ર૦૧પ સુધીમાં આ જૂથને રપ મિલિયન પાઉન્ડની સહાય વિવિધ હેતુસર પૂરી પાડવામાં આવી છે.