બહુમત ન હોવા છતાં ‘જોડ-તોડ’ દ્વારા ગોવા-મણિપુરમાં ભાજપની સરકાર

સૌથી મોટા પક્ષ તરીકે ઊભરેલી કોંગ્રેસ સત્તાથી દૂર

નવી દિલ્હી, તા. ૧૩

ગોવા અને મણિપુરની ચૂંટણીઓમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી છે તેમ છતાં ભાજપે અહીં જોડ-તોડની રાજનીતિથી કોંગ્રેસને સત્તાથી દૂર રાખી છે. ગોવામાં ભાજપે અન્ય કેટલાક પક્ષોના ટેકા સાથે સરકાર બનાવવાનો દાવો કર્યો જ્યારે મણિપુરમાં તેણે કોંગ્રેસને સત્તામાંથી દૂર રાખવા માટે ત્રણ અન્ય પક્ષો તથા કોંગ્રેસના એક સભ્યનું પણ સમર્થન મેળવ્યું હતું. બંને રાજ્યોમાં સ્પષ્ટપણે એવું દેખાઇ રહ્યું છે કે, ભાજપે મેલી રમત રમી કોંગ્રેસને સત્તામાં આવવા નહીં દેવા તમામ પ્રકારની ચાલનો ઉપયોગ કર્યો છે. એવું પણ કહેવામાં આવે છે કે, ભાજપે બંને રાજ્યોમાં સભ્યોને ખરીદવા માટે નાણાનો ભરપૂર ઉપયોગ કર્યો છે. ગોવામાં તો તેણે ફક્ત ૧૩ બેઠકો જ જીતી હતી જ્યારે બહુમતી માટે ૨૧ સભ્યોની જરૂર હતી પરંતુ નાના પક્ષોને ખરીદવાની બાબત સીધી રીતે જ સમજી શકાય તેમ છે. ગોવામાં ભાજપે એમજીપી અને જીએફપી સાથે મળીને સરકાર રચવાનો દાવો કર્યો છે અને મનોહર પારિકરને મુખ્યમંત્રી તરીકે રજૂ કરાયા છે. તેઓએ કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન તરીકે રાજીનામું આપ્યું હતું અને તેમનું રાજીનામું તાત્કાલિક ધોરણે રાષ્ટ્રપતિએ સ્વીકાર્યું હતું. બીજી તરફ મણિપુરમાં પણ રાજ્યપાલ નજમા હેપ્તુલ્લાએ કોંગ્રેસના ઓકારામ ઇબોબીસિંહના સમર્થન પત્રને રદ્દ કરી ભાજપને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. નજમાએ દાવો કર્યો હતો કે, ઇબોબીસિંહ એનપીપીના સમર્થનવાળા સભ્યોને રાજભવનમાં બોલાવી શક્યા નહોતા તેથી ભાજપને સરકાર રચવા આમંત્રણ અપાયું હતુ. ઉલ્લેખનીય છે કે, નજમા હેપ્તુલ્લા તાજેતરમાં જ મોદી સરકારમાંથી લઘુમતી બાબતોના મંત્રીપદેથી રાજીનામું આપી મણિપુરના રાજ્યપાલ બન્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts