(એજન્સી) અલવર, તા. ૨૧
ભાજપના શાસન હેઠળના રાજસ્થાનના અલવરમાં ફરી એકવાર ગાયની તસ્કરીની શંકામાં વધુ એકમુસ્લિમ વ્યક્તિની બરહેમીથી મારઝૂડ કરી હત્યા કરી દેવાઇ છે. મુખ્યમંત્રી વસુંધરા રાજેની સરકાર હજુ પહલુખાનના હત્યારાઓને ન્યાયના કઠેડામાં લાવી શકી નથી ત્યારે અન્ય હરિયાણાના મુસ્લિમ અકબરખાનની હત્યાથી સોપો પડી ગયો છે. પોલીસ અનુસાર અલવરના રામગઢમાં હરિયાણામના મેવમાં રહેતા અકબરખાન અને અસલમ ખાન નામના બે વ્યક્તિ દૂધાળુ ગાયોને ચાલતા લઇ જઇ રહ્યા હતા તે સમયે ગામલોકોએ તેમની પુછપરછ કરી હતી. શુક્રવારે રાતે ૧૨-૧ વાગ્યા વચ્ચે તેઓ બે ગાયોને ચાલતા લઇ જઇ રહ્યા હતા તે સમયે ગામલોકો દ્વારા તેમને અટકાવવામાં આવ્યા હતા. જ્યારે તેઓ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરતા હતા ત્યારે લોકોએ તેમને પકડીને અત્યંત ક્રૂર રીતે માર માર્યો હતો. જોકે, અકબરખાનને ટોળા દ્વારા પકડીને માર મારવામાં આવ્યો જ્યારે અસલમ કોઇ રીતે નાસી જવામાં સફળ રહ્યો હતો.ગંભીર ઇજાઓને કારણએ અકબરખાનનુંં મોત નિપજ્યું હતું. જયપુરના આઇજી હેમંત પ્રિયદર્શીએ કહ્યું છે કે, ટોળા દ્વારા કરાયેલા મારપીટમાં સામેલ બે આરોપીઓ ધર્મેન્દ્ર યાદવ અને પરમજીતસિંહ સરદારને પકડી લેવામાં આવ્યા છે. પીડિતના અંતિમ નિવેદન અનુસાર તેમની સાથે મારપીટ કરવામાં પાંચ લોકો સામેલ હતા આ લોકોને વહેલી તકે ઝડપી પાડવામાં આવશે. આરોપીઓએ મૃતક અકબરખાન અને તેના મિત્ર અસલમ સાથે તે વખતે મારપીટ કરી હતી જ્યારે લાડપુરમાંથી ગાયો ખરીદીને હરિયાણાના નૂહ જિલ્લાના કોલગાંવમાં લઇ જઇ રહ્યા હતા.
આઇજીએ જણાવ્યું કે, ઘટનાસ્થળેથી બચીને નાસી છૂટેલા અસલમનું નિવેદન અત્યારસુધી લેવાયું નથી. પોસ્ટમોર્ટમ બાદ પરિવારને મૃતદેહ સોંપવામાં આવશે. પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે કે, અકબરખાનનું મોત મારઝૂડને કારણે આંતરિક ભાગોમાં ગંભીર ઇજાઓને લીધે થયું છે. મૃતક અકબરખાન અને અસલમના નામે ગાયની તસ્કરી મુદ્દે કોઇ અપરાધિક રેકોર્ડ છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. અકબરખાનના પરિવારજનોએ હત્યામાં સામેલ આરોપીઓ સામે તરત કાર્યવાહી કરી ધરપકડ કરવાની માગ કરી છે. મૃતકના પિતા સુલેમાન ખાને કહ્યું છે કે, અમને ન્યાય જોઇએ છે અને આરોપીઓને તાત્કાલિક પકડવામાં આવે. રામગઢ પોલીસ સ્ટેશનના સબ ઇન્સપેક્ટર સુભાષ ચંદે કહ્યું કે, ઘટનાસ્થળેથી અમને બે ગાય મળી આવી છે જેને અમે નજીકની ગૌશાળામાં મોકલી દીધી હતી. અમે હત્યા, ગેરકાયદે ટોળાશાહી, ગેરકાયદે પ્રવૃત્તિ, ઇજાઓ પહોંચાડવી અને ચોક્કસ ઇરાદા સાથે કોઇની સાથે મારપીટ કરવાનો ગુનો નોંધ્યો હતો. ચોેંકાવનારી વાત એ છે કે, આ ઘટના એવા સમયે થઇ છે જ્યારે રાજસ્થાન સરકાર કહે છે કે, મોબ લિન્ચિંગ માટે અલગથી કાયદો બનાવવાની તેને કોઇ જરૂર નથી. અલવરના એસએસપી અનિલ બૈજલે કહ્યું છે કે, અત્યારસુધી એ સ્પષ્ટતા નથી થઇ કે તેઓ તસ્કર હતા કે નહીં. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે જ્યારે દોષિતોને ઓળખવાના પ્રક્રીયા ચાલુ છે અને વહેલી તકે ધરપકડો કરવામાં આવશે.
‘પીએમ મોદી જેમ-જેમ વધુ લોકપ્રિય બનશે તેમ-તેમ આવી ઘટનાઓ બનશે’ : મોદીના મંત્રી અર્જુન મેઘવાલનું નફ્ફટાઇભર્યું નિવેદન
રાજસ્થાનના અલવરમાં ગાયની તસ્કરીની શંકામાં વધુ એક મુસ્લિમનો મોતને ઘાટ ઉતારવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો ત્યારે કેન્દ્રની મોદી સરકારમાં મંત્રી અર્જુન મેઘવાલે કહ્યું છે કે, વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા જેમ-જેમ વધતી જશે તેમ-તેમ આવી ઘટનાઓમાં પણ વધારો થશે. તેમણે કહ્યું કે, બિહારની ચુંટણીમાં એવોર્ડ વાપસી ચાલી હતી, યુપીની ચૂંટણીમાં મોબ લિન્ચિંગની ઘટનાઓ થઇ અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓમાં પણ આવી કોઇ ઘટનાઓ બનશે. મોદીજીએ જે કાર્યક્રમો આપ્યા છે તેની આ પ્રતિક્રિયા છે. મેઘવાલે વધુમાં જણાવ્યું કે, મોબ લિન્ચિંગની એકમાત્ર ઘટના નથી. તમે ઇતિહાસ જુઓ આ શા માટે થઇ રહ્યું છે ? કોણે આને રોકવી જોઇએ ? ૧૯૮૪માં સિખો સાથે દેશની સૌૈથી મોટી મોબ લિન્ચિંગ થઇ હતી ત્યારે શું થયું હતું.
‘અમારી દુનિયા ખતમ થઇ ગઇ’ : ‘દૂધાળી ગાય લાવવામાં શું વાંધો
છે ?’ : અલવર લિન્ચિંગ પીડિતના આક્રોશિત પરિવારનો પ્રશ્ન
રાજસ્થાનના અલવરમાં ટોળાશાહીનો વધુ એક મુસ્લિમ શખ્સ અકબરખાન ભોગ બન્યો છે જેના કારણે તેનો પરિવાર આક્રોશિત છે. જંગલોના વિસ્તારથી પસાર થઇ દૂધાળી ગાયો લઇ જતા અકબરખાન પર કેટલાક લોકો દ્વારા ગાયનીતસ્કરીની શંકામાં રહેંસીને મોતને ઘાટ ઉતારી દેવાયો છે. જ્યારેતેની સાથે તેનો મિત્ર અસલમખાન પણ હતો જે કોઇક રીતે ટોળામાંથી બચીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. અકબરની હત્યાથી તેના સાત બાળકો સહિત પત્ની અસામિના પર આભ તૂટી પડ્યું છે. તેના બાળકોને એવી પણ ખબર નહોતી કે, તેના પિતા ઘર છોડતી વખતે તેમને છેલ્લી વખત મળી રહ્યા છે. અકબરની મોટી દિકરી સાહિલા ૧૪ વર્ષની છે જ્યારે તેની નાની પુત્રી અશેરા બે વર્ષની છે. તેની પત્ની અસામિનાએ કહ્યું છે કે, આ ગુંડાઓને મોતની સજા થવી જોઇએ. દૂધાળી ગાય લાવવામાં શું વાંધો હતો ? અકબરના મોત બાદ અમારી દુનિયા ખતમ થઇ ગઇ છે.પીડિતના પિતા સુલેમાને કહ્યું છે કે, અમને ન્યાય જોઇએ છે, ગુનેગારોને વહેલી તકે પકડવા જોઇએ.
પોલીસે બેની ધરપકડ કરી, અન્ય શંકાસ્પદોની શોધખોળ જારી : વસુંધરા રાજેએ ઘટનાને વખોડી
રાજસ્થાનના અલવરમાં અકબરખાનને ટોળા દ્વારા માર મારી મોતને ઘાટ ઉતારવાની ઘટનામાં પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. ઘટનાસ્થળે હાજર રહેલા ધર્મેન્દ્રસિંહ યાદવ અને પરમજીતસિંહ સરદારને પકડી લેવામાં આવ્યા છે તેમ પોલીસે કહ્યું હતું. પોલીસે હત્યાની ઘટનામાં પાંચ લોકોને શંકાસ્પદ ગણાવ્યા છે જેમાં હરિયાણાના કોલગાંવમાં રહેતા અકબરખાનની હત્યા કરાઇ હતી. આ પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેએ અલવરમાં બનેલી ઘટનાને વખોડી નાખી હતી. તેમણે કહ્યું કે, આરોપીઓ વિરૂદ્ધ શક્ય તેટલા સખતમાં સખત પગલાં લેવાશે. પોલીસ બે શંકાસ્પદોની પુછપરછ કરી રહી છે, મેં ગૃહમંત્રી ગુલાબચંદ કટારિયાને આ ઘટના અંગે તપાસ કરવા કહ્યું છે અને આરોપીઓને ન્યાયના કઠેડામાં લાવવા સૂચના આપી છે.
શું ભાજપ ભારતને તાલિબાન રાજમાં ફેરવી નાખવા માગે છે : અલવર લિન્ચિંગ મુદ્દે આપની પ્રતિક્રિયા
આપના રાજ્યસભા સાંસદ સંજયસિંહે આરોપ મુક્યો હતો કે, દેશમાં મોબ લિન્ચિંગની ઘટનાઓ બને છે ત્યાં ભાજપ દોષિતોને શરણ આપી રહ્યો છે. અલવરમાં ૨૮ વર્ષના અકબરખાનની ગાયની તસ્કરીની શંકામાં હત્યા કરવા મુદ્દે તેમણે કહ્યું કે, આવી ઘટનાઓ ત્યાં સુધી બનતી રહેશે જ્યાં સુધી વડાપ્રધાન મોદી આવા ગુનેગારોને સન્માનિત કરનારા તેમના મંત્રીઓ સામે પગલાં નહીં લે. અલવરમાં જે થયું તે ચિંતાનો વિષય એ માટે છે કારણ કે, આવી હત્યાઓ પાછળ સરકારમાં રહેલા લોકો છે. સરકાર આવા હત્યારાઓને પ્રોત્સાહન આપે છે અને તે બાદ તેઓ આવી ઘટનાઓને અંજામ આપવા અને કાયદો હાથમાં લેવા માટે પ્રેરાય છે. સરકારે આવા કૃત્યો કરતા પોતાના મંત્રીઓ સામે પગલાં લેવા જોઇએ. આ ઘટનાને વડાપ્રધાનની લોકપ્રિયતા સાથે જોડી વિપક્ષ પર નિશાન સાધનારા મોદીના મંત્રી અર્જુન મેઘવાલ વિશે સિંહે કહ્યું કે, મંત્રીએ તેમની ટિપ્પણી દ્વારા હત્યાની મજાક ઉડાવી છે. સંસદમાં રાહુલ ગાંધીના ભેટવા અંગે સંજયસિંહે કહ્યું કે, મોદી પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને ભેટવામાં શરમ અનુભવતા નથી પણ રાહુલ ગાંધી સાથે અંતર જાળવે છે.