‘અમારી સરકાર રામ મંદિર બનાવી ન શકે’ : મોદી સરકારના મંત્રી

(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૨
ઉત્તરપ્રદેશના અયોધ્યામાં રામ મંદિરને લઇ કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી શિવ પ્રતાપ શુક્લે ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. અહેવાલો અનુસાર તેમણે કહ્યું છે કે, ભારતીય જનતા પાર્ટીએ રામ મંદિરના નામે ક્યારેય ચૂંટણી લડી જ નથી. સરકાર રામ મંદિર બનાવી શકે તેમ નથી. મંત્રીએ કહ્યું કે, ભગવાન રામ અમારી સાથે છે, મંદિર બનાવવા માટે કોર્ટ અને આંતરિક સમજૂતીથી જ કોઇ નિર્ણય આવશે અને બાદમાં રામ મંદિર બનશે.
શિવ પ્રતાપ ઉત્તરપ્રદેશના બસ્તીની મુલાકાતે હતા. ત્યારે તેમણે કહ્યું કે, વિકાસ દર હંમેશા વધતો અને ઘટતો રહે છે. દેશમાં આવંુ પહેલીવાર બન્યું નથી. જીએસટી લાગુ થયાને હજુ ત્રણ મહિના જ થયા છે જેના આધારે ધીરે-ધીરે ફેરફાર થઇ રહ્યા છે. હવે સમગ્ર વિશ્વ પણ ભારતના નિર્ણયની પ્રશંસા કરી રહ્યું છે. ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે તાજેતરમાં જ અયોધ્યાના સરયૂ ઘાટ પર ભગવાન રામની ૧૦૮ ફૂટ ઊંચી ભવ્ય પ્રતીમા સ્થાપિત કરવાની જાહેરાત કરી છે. જોકે, તેને હજુ એનજીટીની મંજૂરી મળવાની બાકી છે. મંજૂરી મળ્યા બાદ તેનું કામ શરૂ કરવામાં આવશે. રાજ્યના પર્યટન વિભાગે પણ રાજ્યપાલને આ મામલે જોડાયેલી રજૂઆતમાં માહિતી આપી દીધી છે. બીજી તરફ ફૈઝાબાદમાં એક કાર્યક્રમમાં તેમણે ડીઝલ-પેટ્રોલને જીએસટીના દાયરામાં લાવવા અંગે કહ્યું હતું કે, અત્યારે આ અંગે કોઇ યોજના નથી. કેન્દ્ર સરકાર જીએસટી અંગે સંવેદનશીલ છે. સરકાર એવા દરેક પ્રયાસ કરી રહી છે જેને દેશના ઉદ્યોગકારો અને વ્યવસાયીઓ સરળ રીતે ઉપયોગ કરી શકે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks